કોરોના વાયરસને કારણે મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર બંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Mar 2020 05:12 PM (IST)
મુંબઇનું સિદ્ધિવિનાયક મંદિર સાવચેતીના પગલા તરીકે આજે સાંજથી બંધ કરવામાં આવશે.
મુંબઈ: ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 114 કેસ નોંધાયા છે. કેંદ્ર સરકાર દ્વારા સાવધાની માટે પગલા ભરવામાં આવી રહ્યા છે, આ સાથે જ દેશના મોટા ભાગના રાજ્યોમાં સ્કૂલ-કોલેજ અને થિયેટરને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. આજે જ મહારાષ્ટ્રમાં ચાર નવા કેસ સામે આવતા રાજ્યમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 38 પર પહોંચી છે. મુંબઇનું સિદ્ધિવિનાયક મંદિર સાવચેતીના પગલા તરીકે આજે સાંજથી બંધ કરવામાં આવશે. જ્યાં સુધી અન્ય નોટિસ નહી મળે ત્યાં સુધી મંદિર બંધ રહેશે. મહારાષ્ટ્રમાં એક બાદ એક કોરોના વાયરસના મામલા ઝડપથી સામે આવી રહ્યાં છે. સોમવારે ચાર નવા કેસ સામે આવતાં રાજ્યમાં COVID19ના પીડિતોની સંખ્યા 38 પર પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ અત્યાર સુધી પુણેમાં સામે આવ્યા છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધી દુનિયાભરમાં 6,515 લોકોનાં મોત થયા છે. ચીનમાં સૌથી વધુ 3213 લોકોના મોત થયા છે, બાદમાં ઇટાલીમાં 1809 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે.