નવી દિલ્હીઃ સત્તા જાળવી રાખવા માટે ભાજપ એડી-ચોટીનું જોર લગાવી રહી છે. 2019માં જીત સુનિશ્ચિત કરવા માટે પક્ષ એક એક સીટ પર સમીક્ષા કરીને ઉમેદવારોને ટિકિટ આપી હી છે. પરંતુ આ વખેત ભાજપના દિગ્ગજ નેતાઓ પાર્ટીથી નારાજ છે. કહેવાય છે કે, આડવાણીની જેમ જ ભાજપ વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીને ટિકિટ આપવાના મુડમાં નથી. જ્યારે પાર્ટી તરફતી સંગઠન મહાસચિવ રામલાલે તેમને આ વાતની જાણકારી આપી તો તેઓ નારાજ થઈ ગયા.



સોમવારે કાનપુરના મતદારોને એક પત્ર લખીને ડો. જોશીએ ખુદ આ વાતની જાણકારી આપી હતી. ડો. જોશીના હસ્તાક્ષર વગરના પત્રની પુષ્ટિ તેના અંગત સચિવ લલિત અધિકારીએ કરી છે. આ પત્ર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મતદારોને લખેલા બે લાઇનના પત્રમાં ડો. જોશીએ લખ્યું છે કે, "સોમવારે ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) રામલાલે જણાવ્યું કે, તેમણે કાનપુર જ નહીં કોઈ પણ બેઠક પરથી ચૂંટણી ન લડવી જોઈએ." જોકે, આ પત્ર પર તેમના કોઈ જ હસ્તાક્ષર ન હોવાથી તેમણે પોતાની નારાજગી જાહેર કરવા પત્ર લખ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

2014ની લોકસભાની ચૂંટણી દરમિયાન કાનપુર બેઠક પરથી મુરલી મનોહર જોશી 2.22 લાખથી વધારે મતો સાથે વિજેતા રહ્યા હતા. તેમને 4.74 લાખ વોટ મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના શ્રીપ્રકાશ જયસ્વાલને 2.51 લાખ મત મળ્યા હતા. છેલ્લા ત્રણ મહિના દરમિયાન તેમણે કાનપુરમાં અનેક યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ પણ કર્યું હતું. જેનાથી એવો કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે તેઓ ફરીથી ચૂંટણી લડવા માંગે છે. બે દિવસ પહેલા જ તેમના કાનપુરનો પ્રવાસ નક્કી કરવામાં આવ્યો હતો. જોકે, હવે આ મુલાકાત સ્થગિત કરી દેવામાં આવી છે. તેઓ અહીં પ્રસિદ્ધ ગંગા મેળામાં ભાગ લેવાના હતા.