નવી દિલ્હીઃ રામ મંદિર પર નિર્ણય આવતા અગાઉ પોલીસ અને વહીવટીતંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મેરઠ પોલીસે શનિવારે મુસ્લિમ ધર્મગુરુઓની બેઠક બોલાવી હતી. મુસ્લિમ સમાજના લોકોએ એક સ્વરમાં કહ્યું કે, તે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સન્માન કરશે. પોલીસે એક વોટ્સએપ ગ્રુપ બનાવીને લોકો સાથે તાલમેલ બેસાડશે. ગામે-ગામ પીસ કમિટીઓ બનાવવામાં આવશે.
મેરઠ પોલીસે દાવો કર્યો હતો કે નિર્ણય આવવાને ધ્યાનમાં રાખીને શાંતિનો સંદેશ આપવા માટેની આ પ્રથમ બેઠક છે જે શનિવારે પોલીસ લાઇન સભાગૃહમાં આયોજીત કરાઇ હતી. આ બેઠકમાં શહેરના કાજી, નાયબ શહેર કાજી સહિત તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રમુખ મુસ્લિમ ધર્મગુરુ અને લોકો સામેલ હતા. તમામે પોલીસની આ પહેલનું સ્વાગત કર્યું હતું. ગામ અને જિલ્લાઓમાં હવે શાંતિ સમિતિઓ બનાવવામાં આવશે. જેના વોટ્સએપ ગ્રુપ બનાવાશે. જેમાં એસએસપી, શહેર કાજી સહિત મહત્વના લોકો સામેલ રહેશે.