પટના: મુઝફ્ફરપુર શેલ્ટર હોમ બળાત્કાર કેસમાં કોર્ટે કડક વલણ અપનાવતા શનિવારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સામે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. પોક્સો કોર્ટે મુઝફ્ફરપુરના જિલ્લાધિકારી ધર્મેંદ્ર સિંહ અને સામાજિક ન્યાય વિભાગના પ્રધાન સચિવ અતુલ પ્રસાદ સામે પણ તપાસના આદેશ આપ્યા છે. આ પહેલા પણ સુપ્રીમ કોર્ટે પણ આ મામલે નીતીશ સરકારને ફટકાર લગાવી હતી અને મામલાને દિલ્હીની સાકેત કોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો.
7 ફેબ્રુઆરીના મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટને આ મામલાની રોજ સુનાવણી કરી મામલાને 6 મહિનામાં ખત્મ કરવાના આદેશ આપ્યા હતા. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે કોઈ પણ દોષી નહી બચે પરંતુ આ મામલોના અંત નથી. કોર્ટને જણાવવામાં આવ્યું કે ચાર્જશીટ ડિસેમ્બર 2018માં દાખલ કરવામાં આવી હતી.
આ મામલામાં 21 સાક્ષીઓ હાજર છે. ચીફ જસ્ટિસે સુનાવણીની શરૂઆતમાં બિહાર સરકાર તરફથી રજૂ થયેલા વકીલ પાસે રાજ્યના શેલ્ટર હોમમાં રહેનારાઓની સંખ્યા અને કર્મચારીઓ વિશે જાણકારી માંગી હતી. સાથે જ મેનેજમેન્ટ પર થતા ખર્ચની જાણકારી માંગી હતી.
ગત વર્ષે મુઝફ્ફરપુર શેલ્ટર હોમ બળાત્કાર મામલો સામે આવ્યા બાદ સમગ્ર દેશ હચમચી ગયો હતો. ટાટા ઈંસ્ટિટ્યૂટ ઓફ સોશલ સાંયન્સની રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે શેલ્ટરમાં હોમમાં રહેતી 44માંથી 32 છોકરીઓ સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શેલ્ટર હોમના સંચાલક બ્રજેશ ઠાકુર સહિત 11 લોકો સામે 31મેના કેસ દાખળ કરવામાં આવ્યો હતો.