નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના બાળકોના ઉછેર અને તેમના અભ્યાસથી લઈ નોકરીની સાથે સાથે પરિવારજનોને રોજગારી પૂરી પાડવાની જવાબદારી રિલાયન્સ ફાઉન્ડેશને લીધી છે. રિલાયન્સ ફાઉન્ડેશને એવી જાહેરાત કરી છે કે આતંકી હુમલામાં ઘાયલ થયેલા જવાનોને શક્ય તમામ સારવાર માટે તેમની હોસ્પિટલ તૈયાર છે. જેવી રીતે જવાન આપણા દેશની રક્ષા કરે છે તેવી રીતે તેમના પરિવારજનોની કાળજી રાખવાનું કામ આપણું છે.

વાંચોઃ ગુજરાતમાં પુલવામા હુમલાના ઘેરા પ્રત્યાઘાત, દુકાનો સ્વયંભૂ બંધ પાળી શહીદોને શ્રદ્ધાજંલિ આપી

જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)નાં કાફલા પર ગુરૂવારે આતંકવાદી હુમલો થયો હતો. જેમાં 40 જવાનો શહીદ થયા હતાં. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાનને પરિણામ ભોગવવું પડશે તેમ કહી દીધું હતું.


હુમલા બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં જન આક્રોશ જોવા મળી રહ્યો છે. દેશના વિવિધ રાજ્યોમાં લોકો રસ્તા પર ઉતર્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ આતંકી કૃત્યના કારણે શહીદ થયેલા જવાનોને સમગ્ર દેશમાંથી લોકો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. દુનિયાભરમાં આ હુમલાની ટીકા પણ કરવામાં આવી રહી છે.