બોમ્બે હાઈકોર્ટે ગેંગ રેપના ચાર દોષિતોની સજાને યથાવત રાખી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે દોષિત ઠેરવવા માટે જાતીય શોષણમાં (સેક્સ્યુઅલ એક્ટ) સીધું સામેલ હોવું જરૂરી નથી. જો સમાન ઇરાદો ધરાવતા હોવાના પુરાવા હોય તો તે સજા માટે પુરતું છે. જસ્ટિસ ગોવિંદા સાનપે ચાર આરોપીઓની અપીલ ફગાવી દીધી હતી, જેમણે ચંદ્રપુર સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજાને પડકારી હતી. સંદીપ તલંદે, કુણાલ ઘોડમ, શુભમ ઘોડમ અને અશોક કન્નાકેને 14 જૂન, 2015 ના રોજ એક મહિલા પર સામૂહિક બળાત્કાર કરવા બદલ 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી.
કોર્ટે કહ્યું કે માત્ર બે જ આરોપીઓએ મહિલા પર બળાત્કાર કર્યો હતો, પરંતુ સમાન ઇરાદાએ અન્ય બેને સમાન રીતે દોષિત બનાવ્યા હતા. મંદિરમાં દર્શન કર્યા બાદ મહિલા તેના મિત્ર સાથે ઝાડ નીચે બેઠી હતી. ત્યાર પછી આરોપી વન વિભાગના અધિકારી તરીકે તેની પાસે આવ્યો અને તેની પાસેથી 10,000 રૂપિયાની માંગણી કરી હતી. જ્યારે તેણે પૈસા ચૂકવવાનો ઇનકાર કર્યો ત્યારે તેને માર મારવામાં આવ્યો અને તેનો મોબાઈલ ફોન છીનવી લેવામાં આવ્યો હતો. સંદીપ અને શુભમે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો, જ્યારે કુણાલ અને અશોકે મહિલાના મિત્રને પકડીને તેની મદદ કરતા રોક્યો હતો.
તબીબી તપાસમાં બળાત્કારની પુષ્ટી થઈ હતી.
જસ્ટિસ સાનપે કહ્યું હતું કે બે આરોપી પીડિતાને ઝાડની પાછળ લઈ ગયા, જ્યારે બાકીના બે આરોપીઓએ પીડિતાના મિત્રને પકડીને રાખ્યો હતો. આ હરકતથી તેનો ઇરાદો ખ્યાલ આવે છે. જે તેને સમાન રીતે દોષિત બનાવે છે. એક ફોરેસ્ટ ગાર્ડ આવતા આરોપીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. પીડિતા અને તેના મિત્રએ પોલીસને આ બાબતની જાણ કરી અને તબીબી તપાસમાં બળાત્કારની પુષ્ટી થઈ હતી.
આરોપીઓએ દલીલ કરી હતી કે કૃણાલ અને અશોકને પુરાવાના આધાર પર સામૂહિક બળાત્કાર માટે દોષિત ઠેરવી શકાય નહીં. જોકે જસ્ટિસ સાનપે આ દલીલને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે જો તેઓએ પીડિતાના મિત્રને પકડ્યો ના હોત તો તેઓ કાયદાથી બચી શક્યા હોત. જો તેને પકડવામાં આવ્યો ના હોત તો તેણે મહિલાની મદદ કરી હોત અને આરોપીઓને આ કૃત્ય કરતા અટકાવી શકાયા હોત. ન્યાયાધીશે વધુમાં જણાવ્યું હતું કે આ બંનેએ અન્ય બે આરોપી શુભમ અને સંદીપ દ્વારા કરાયેલા ગુનામાં મદદ કરી હતી.