નવી દિલ્લી: મંત્રીમંડળના વિસ્તારના અઠવાડિયા બાદ મોદી મંત્રીમંડળમાંથી બે મંત્રીઓ નજમા હેપતુલ્લા અને જીએમ સિદ્ધેશ્વરાએ રાજીનામા આપ્યા છે. પાંચ જુલાઈએ જ્યારે મોદી મંત્રી મંડળમાં મોટા ફેરફારો થયા હતા. તે સમયે 19 યુવા ચહેરાઓને મંત્રી પદ આપવામાં આવ્યા હતા.
ત્યારે મોદી મંત્રીમંડળથી વૃદ્ધ મંત્રીઓની વિદાયથી ચર્ચાઓએ જોર પકડ્યુ છે. હવે અઠવાડિયામાં જ 75થી વધુ ઉંમરના બે મંત્રીઓ-હેપતુલ્લા અને સિદ્ધેશ્વરાએ મોદી કેબિનેટમાંથી રાજીનામુ આપ્યુ છે અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
નજમા હેપતુલ્લાના અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયનું કામ હવે રાજ્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવી જોશે. જ્યારે સિદ્ધેશ્વરાની જગ્યાએ બાબુલ સુપ્રિયો ભારે ઉદ્યોગ મંત્રાલયના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
બાબુલ સુપ્રિયો નવી જવાબદારીથી ખુશ છે. જ્યારે નજમા હેપતુલ્લાએ નિવેદન આપતા જણાવ્યું કે, મેં અંગત કારણોસર રાજીનામુ આપ્યુ છે. મને ભવિષ્યમાં કોઈ જવાબદારી આપવામાં આવશે તો હું તેના માટે તૈયાર છું.
સૂત્રોના જણવ્યા મુજબ મોદી કેબિનેટ વિસ્તારના સમયે નજમા અને સિદ્ધેશ્વરા દેશની બહાર હોવાના કારણે રાજીનામુ આપી શક્યા નહોતા.