નવી દિલ્હી: અભિનેતાથી નેતા બનેલા રાજબ્બરને યૂપી કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે ઈમરાન મસૂગને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધીની ભૂમિકાને લઈને આજે કોઈ નિર્ણય થઈ શક્યો નહોતો, પરંતુ સૂત્રોના હવાલે મળેલી માહિતી પ્રમાણે પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચારમાં મોટી ભૂમિકા ભજવશે.
યૂપી કોંગ્રેસના નવા ઉપાધ્યક્ષ ઈમરાન મસૂદ છેલ્લી લોકસભા ચૂંટણીમાં પોતાના એક આપ્પતિજનક નિવેદનના કારણે લાંબા સમય સુધી અહેવાલોમાં રહ્યા હતા. લોકસભા ચૂંટણીમાં ખતરનાક સાબિત થયેલા ઈમરાન મસૂદ વિધાનસભા ચૂંટણીમાં કેવી રીતે કોંગ્રેસની વાત મૂકે છે, તે આવનારો સમય બતાવશે.
કોંગ્રેસ બેડામાં રાજબ્બરના નામ પર ઘણાં દિવસોથી ચર્ચા ચાલી રહી હતી. જો કે, પાર્ટી શીલા દીક્ષિતને સીએમ પ્રોજેક્ટ કરી બ્રાહ્મણ વોટ બેંક ભેગા કરવાની તૈયારીમાં છે. એવામાં પાર્ટીને એક એવા ચહેરાની શોધ હતી જે બીજા તબક્કામાં પોતાની ઓળખ બનાવી શકે. એવામાં પાર્ટીની સામે રાજબ્બરનું નામ સૌથી યોગ્ય લાગ્યું.
આગલા વર્ષે થનાર યૂપી વિધાનસભા ચૂંટણીને લઈને આજે યૂપીના કોંગ્રેસ પ્રભારી ગુલામ નબી આઝાદના ઘરે એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રિયંકા ગાંધી પણ આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં રાજબ્બરને ઉત્તરપ્રદેશના કોંગ્રેસના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.