PM Modi Oath Ceremony: નરેન્દ્ર મોદી સરકારનો શપથ ગ્રહણ સમારોહ શરૂ થઇ ગયો છે. દરમિયાન મોદી 3.0 કેબિનેટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. હવે આ અંગે કિરણ રિજિજુની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.






અરુણાચલ પશ્ચિમ લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા સાંસદ કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા સાઇટ પર એક પોસ્ટ લખી છે. જેમાં તેમણે કહ્યું હતુ કે હું નવ જૂન 2024ના રોજ સાંજે સાડા સાત વાગ્યે કેબિનેટ મંત્રી તરીકે શપથ લઇશ.  આ અગાઉ મે 2014માં રાજ્યકક્ષાના મંત્રી તરીકે 2019માં સ્વતંત્ર પ્રભાર સાથેના રાજ્યમંત્રી અને 2021માં કેબિનેટ મંત્રી તરીકે ત્રણ વખત શપથ લીધા છે.


કિરેન રિજિજુએ મોદી, ભાજપનો આભાર માન્યો


આ દરમિયાન કિરેન રિજિજુએ અરુણાચલ પ્રદેશ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટી અને ભારતની જનતાનો આભાર માન્યો હતો. તેમણે આગળ લખ્યું કે હું વધુ ઉત્સાહ અને નિષ્ઠા સાથે દેશની સેવા કરતો રહીશ.


મોદીએ સંભવિત મંત્રીઓ સાથે સવારે બેઠક કરી હતી


શપથ ગ્રહણ સમારોહ પહેલા નરેન્દ્ર મોદીએ મોદી 3.0ના સંભવિત કેબિનેટ મંત્રીઓ સાથે ચા પર ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે નવી સરકાર કેવી રીતે કામ કરશે તે અંગેના નિર્દેશ આપ્યા હતા. મોદી 3.0 કેબિનેટમાં અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સીતારમણ, એસ.જયશંકર, નીતિન ગડકરી, મનસુખ માંડવિયા, પીયૂષ ગોયલ, અશ્વિની વૈષ્ણવ, ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, પ્રહલાદ જોશી, કિરેન રિજિજુ, સીઆર પાટીલ, એલ મુરુગન, હરદીપ પુરી, એમએલ ખટ્ટર, શિવરાજ ચૌહાણ, ગજેન્દ્ર શેખાવત, સુરેશ ગોપી, જિતિન પ્રસાદ વગેરેના નામ સામેલ છે.


જ્યારે એનડીએ તરફથી કુમારસ્વામી, જયંત ચૌધરી, પ્રતાપ જાધવ, રામ મોહન નાયડુ, સુદેશ મહતો, લલ્લન સિંહ વગેરેના નામ છે.