નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરવા બદલ મહિલાઓનું સન્માન કરતા તેમને નારી શક્તિ પુરસ્કાર એનાયત કર્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા ફાઇટર્સ મોહના જીતવાલ, અવની ચતુર્વેદી અને ભાવના કાંતને એવોર્ડથી સન્માનિત કર્યા હતા.


એથ્લેટિક્સમાં વિશેષ ઉપલબ્ધિઓ મેળવવા બદલ 103 વર્ષીય માન કૌરને પણ નારી શક્તિ પુરસ્કાર એનાયત કરાયો હતો. આ ઉપરાંત બિહારની બીના દેવીને પણ એવોર્ડથી સન્માનિત કર્યા. બીના દેવીને મશરૂમની ખેતીને લોકપ્રિય બનાવવા માટે તેને મશરૂમ મહિલા તરીકે પણ ઓળખવામાં આવે છે.


આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પણ મહિલાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. પીએમ મોદીએ પોતાનું સોશિયલ મીડિયા આજે મહિલાઓને આપ્યું છે.

પીએમ મોદીએ ટ્વિટ કરતા કહ્યું, ભારતમાં મહિલાઓએ દરેક ક્ષેત્રમાં સારું કામ કર્યું છે. તેમનો સંધર્ષ અને મહત્વાકાંક્ષાઓ લાખો લોકોને પ્રેરિત કરે છે. આપણે આવી મહિલાઓની ઉપલબ્ધીઓને ઉજવવી જોઈએ અને તેમની પાસેથી શીખ લેવી જોઈએ.