નવી દિલ્હીઃ બૉલીવુડ અભિનેતા અનુપમ ખેર અને નસીરુદ્દીન શાહ સીએએને (નાગરિકતા કાયદા) લઇને આમને સામને આવી ગયા છે. બન્ને કલાકારો બૉલીવુડ ફિલ્મ ‘એ વેડનેસડ’માં સાથે કામ પણ કરી ચૂક્યા છે.

વાત એમ છે કે, દેશભરમાં ચાલી રહેલા સીએએના વિરોધને લઇને નસીરુદ્દીન શાહે સરકાર પર સીધુ નિશાન તાક્યુ. સાથે તેમને બીજેપી નેતા અને કલાકાર અનુપમ ખેરને પણ આડેહાથે લીધા હતા. નસીરુદ્દીન શાહે અનુપમ ખેરને શુક્રવારે ‘જોકર’ કહ્યાં હતા. આ ટિપ્પણીથી ગુસ્સે ભરાયેલા અનુપમ ખેરે શાહને એકહાથે લીધા હતા.

અનુપમ ખેરે એક વીડિયો શેર કરીને શાહેને આડેહાથે લીધા, તેમને કહ્યું કે હું ક્યારેય તમારા વિશે ખરાબ નથી બોલ્યો પણ હવે બોલીશ, આટલુ બધુ મેળવ્યા બાદ પણ તમે તમારી જિંદગી હતાશામાં જ વિતાવી છે. જો તમે દિલીપ કુમાર સાહેબ, અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, શાહરૂખ ખાન અને વિરાટ કોહલીની નિંદા કરી શકો છો તો, મને લાગે છે કે હુ યોગ્ય જગ્યાએ છું.


નસીરુદ્દીન શાહે ‘ધ વાયર’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘અનુપમ ખેર જેવા લોકો મોટા મુખર છે, અને મને નથી લાગતુ કે તેમને ગંભીરતાથી લેવા જોઇએ, તે જોકર છે અને એનએસડી અને એફટીઆઇઆઇના કોઇપણ સમકાલીન આ વાત કહી શકે છે કે તેમનુ વર્તન સાયકૉપેથિક છે. આ તેમના લોહીમાં છે અને તે તેના વિશે કંઇજ નથી કરી શકતા.’ બસ, આ વાતથી અકળાયેલા અનુપમ ખેરે એક વીડિયો શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી.