નવી દિલ્હીઃ કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર પર રાજકીય સંકટ ઘરાયેલું છે ત્યાં હવે કોંગ્રેસ માટે ગોવામાંથી પણ ખરાબ સમાચાર આવ્યા છે. ગોવામાં કોંગ્રેસના 10 ધારાસભ્યોએ ભાજપમાં જોડાઈ ગયા છે. આ ધારાસભ્યોમાં ચંદ્રકાંત કાવલેકરનો પણ સમાવેશ થાય છે, જે વિરોધ પક્ષના નેતા હતા.




ગોવાના સીએમ પ્રમોદ સાવંતે કહ્યું કે, કોંગ્રેસના 10 ધારાસભ્ય પોતાના વિપક્ષી નેતાની સાથે ભાજપમાં જોડાઈ ગયા છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં બીજેપીની તાકાત હવે વધીને 27 થઈ ગઈ છે. બીજેપીમાં સામેલ તમામ ધારાસભ્યોએ કોઈ શરત નથી રાખી, તે કોઈ પણ શરત વગર ભાજપમાં સામેલ થયા છે.

કોંગ્રેસને છોડીને ભાજપમાં જોડાયેલા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત કાવલેકરે જણાવ્યું કે, જો વિધાનસભાના વિસ્તારમાં કોઈ વિકાસ થશે નહીં તો લોકો કેવી રીતે અમને બીજી વખત ચૂંટી કાઢશે. કોંગ્રેસે જે કોઈ વચન આપ્યા હતા તે પુરા કર્યા નથી. કોંગ્રેસ પાસે ગોવામાં સરકાર બનાવવાની અનેક તક હતી, પરંતુ વરિષ્ઠ નેતાઓમાં એકતાના અભાવે આ શક્ય બન્યું નથી. આથી હમે ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે.