ચીનના ગ્વાંગ્સી અને હૂનાન પ્રાંતમાં પૂરના કારણે સૌથી વિકટ સ્થિતિ સર્જાઈ છે. તેના કારણે દસ રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સત્તાવાર રીતે આ પૂરના કારણે 20 લોકોનાં મોત થયાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ આંકડો ઘણો મોટો હોવાની શક્યતા છે. ચીન સ્વીકારે છે કે, 80 વર્ષમાં ચીનમાં આવેલું આ સૌથી ભયાનક પૂર છે. પૂરના પાણી ફરી વળતાં ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે.
દક્ષિણ અને મધ્ય ચીનમાં પૂરપ્રકોપે ભારે તારાજી સર્જી છે. પૂરના ઝપટે ચડેલાં અંદાજે 1500 મકાનો ધરાશાયી થઈ ચૂક્યાં છે. ચાર લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયાં છે અને પાંચ લાખ લોકોને ચેતવણી આપવામાં આવી હતી. ગમે ત્યારે પૂરની સ્થિતી વણસી જશે તો વધારે લોકોનું સ્થળાંતર કરાવાશે.
ચીની મીડિયા આ અંગે કોઈ જ વિગતવાર અહેવાલ આપતું નથી પણ લોકોએ સોશિયલ મીડિયામાં લખવા માંડતાં વિસ્વને આ પૂર વિશે ખબર પડી છે. સોશિયલ મીડિયાની વિગતોના આધારે મીડિયામાં પૂરના અહેવાલો પ્રસિધ્ધ થઈ રહ્યા છે.
આગામી 24 કલાકમાં વધુ વરસાદ અને પૂર અંગે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઘણાં નાના શહેરોમાં સંપર્ક સાવ કપાઈ ચૂક્યો છે. ગુઈજાઉ પ્રાંતમાં મુગાઝા શહેરની સ્થિતી અત્યંત ખરાબ હોવાનું કહેવાય છે. ચીનમાં આ પૂરપ્રકોપના કારણે અત્યાર સુધીમાં અંદાજે 60 કરોડ ડોલરનું નુકસાન થયાનો અંદાજ છે.