નવી દિલ્લી: ભાજપને રામ-રામ કહી આમ આદમી પાર્ટી સાથે જોડાવાના સપના જોનારા નવજોત સિંહ સિદ્ધુને ઝટકો લાગ્યો છે. સૂત્રોના મતે સિદ્ધુએ આપમાં સામેલ થવાનો વિચાર છોડી દીધો છે. એટલું જ નહીં.. તેઓ હવે કૉંગ્રેસ નેતાઓના સંપર્કમાં છે. મનાઈ રહ્યું છે કે સિદ્ધુ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્યમંત્રીના ઉમેદવારને લઈને વાતચીત તૂટી છે.
સૂત્રોના મતે સિદ્ધુ ઈચ્છતા હતા કે તેમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઘોષિત કરવામાં આવે.. સાથે તેમની સાથે તેમની પત્નીને પણ વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવે.. પરંતુ આમ આદમી પાર્ટીએ પોતાના સંવિધાનનો હવાલો આપી સિદ્ધુની માગ માની નહોતી. આપના સંવિધાનમાં કહેવાયું છે કે એક પરિવારના એક જ વ્યક્તિને પાર્ટીમાં સામેલ કરી શકાય છે. સાથે જ સિદ્ધુ એક જૂના કેસમાં નીચલી અદાલતથી દોષી ઠેરવાયા છે.