નવી દિલ્હી: અરબી સમુદ્રમાં ભારતીય નૌસેનાનું એક 'મિગ-29 કે' ફાઈટર જેટ ક્રેશ થયું છે. ગુરૂવારે સાંજે બનેલી આ ઘઠનામાં એક પાયલટ લાપતા છે, જ્યારે અન્ય એક પાયલટને બચાવી લેવામાં આવ્યો છે. લાપતા પાયલટને લઈ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.


નૌસેનાના પ્રવક્તા, કમાંડર વિવેક મધવાલે શુક્રવારે સવારે એક નિવેદન જાહેર કરી કહ્યું કે ગુરૂવારે સાંજે પાંચ વાગ્યે દરિયામાં એક મિગ 29 કે નું ટ્રેનર એરક્રાફ્ટ તૂટી પડ્યું છે. આ ઘટના બાદ એક પાયલટને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે અન્ય એક પાયલટની હજુ સુધી કોઈ ભાળ નથી મળી. લાપતા કમાંડર નિશાંત સિંગની તપાસ માટે દરિયામાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. કમાંડર મધવાલ મુજબ નૌસેનાએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

હજુ સુધી એ નક્કી નથી થયું કે ટ્રેન એરક્રાફ્ટ કઈ રીતે ક્રેશ થયું. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ વિમાન એરક્રાફ્ટ કરિયર આઈએનએસ વિક્રમાદિત્ય પર તૈનાત હતું. હાલમાં જ વિક્રમાદિત્ય અને તેના પર તૈનાત 'મિગ-29 કે' ફાઈટર જેટ્સે અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની નૌસેના સાથે અરબ સમુદ્રમાં માલાબાર એક્સરસાઈઝમાં ભાગ લીધો હતો.

તમને જણાવી દઈએ કે વર્ષ 2013માં ભારતીય નૌસેનાએ રશિયા સાથે 45 'મિગ-29 કે' લડાકૂ વિમાનના કરાર કર્યા હતા. નૌસેનાએ આ વિમાનોને એરક્રાફ્ટ કૈરિયર તૈનાત કરવા માટે લીધા હતા.

છેલ્લા એક વર્ષમાં 'મિગ-29 કે' ફાઈટર જેટ્સનું આ ત્રીજુ મોટું ક્રેશ છે. આ પહેલા નવેમ્બર 2019માં એક 'મિગ-29 કે' ગોવામાં દુર્ઘટના થઈ હતી અને બીજી આ વર્ષે ફેબ્રુઆરીમાં થઈ હતી.