Maharashtra News: અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાન તરીકે એકનાથ શિંદે સરકારમાં જોડાયા પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ રવિવારે પાર્ટીના ધારાસભ્ય જિતેન્દ્ર અવ્હાડને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા.
જિતેંદ્ર અવ્હાડ પવારનું સ્થાન લેશે
થાણે જિલ્લાના મુંબ્રા-કલવાના ધારાસભ્ય અવ્હાડે જણાવ્યું હતું કે NCP મહારાષ્ટ્રના પ્રમુખ જયંત પાટીલે તેમને પાર્ટીના મુખ્ય દંડક અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા છે. અવ્હાડ અજિત પવારનું સ્થાન લેશે, જેઓ અત્યાર સુધી વિપક્ષના નેતા હતા. NCPમાં બગાવત બાદ પક્ષપલટા અને ગેરલાયકાતના પાસાઓને ધ્યાનમાં રાખીને અવ્હાડે કહ્યું, તમામ ધારાસભ્યોએ મારા વ્હીપનું પાલન કરવું પડશે.
એનસીપીના કેટલાક નેતાઓ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) તપાસ અને પક્ષપલટામાં તેમની ભૂમિકા વિશે પૂછવામાં આવતા અવ્હાડે કહ્યું, હું આ નેતાઓના રાજ્ય સરકારમાં જોડાવા પાછળ મને કોઈ અન્ય નિર્ણય હોય તેવું લાગતું નથી. આવું કરવાની કોઈ જરૂર નહોતી. અવ્હાડે કહ્યું, 'આ નેતાઓએ એ ન ભૂલવું જોઈએ કે પાર્ટીએ તેમને છેલ્લા 25 વર્ષમાં મંત્રી બનાવ્યા છે. હવે તેઓ તેમના નેતા (83 વર્ષીય શરદ પવાર)ને છોડી રહ્યા છે.
શરદ પવારે ફરી એકવાર હુંકાર ભર્યો
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ મચી ગઈ છે. NCP નેતા અજિત પવાર દિગ્ગજ નેતા અને પોતાના સગા કાકા શરદ પવારને થાપ આપીને સંખ્યાબંધ ધારાસભ્યો સાથે શિંદે સરકારમાં સામેલ થઈ ગયા છે. તેમણે ડેપ્યુટી સીએમ પદના શપથ પણ લઈ લીધા છે. આ સાથે તેમના 9 ધારાસભ્યો પણ શિંદે સરકારમાં સામેલ થયા છે. તેમની સાથે પાર્ટીના 18 ધારાસભ્યો પણ છે અને હજી આ આંકડો વધી શકે છે. પરંતુ શરદ પવારે ફરી એકવાર હુંકાર ભર્યો છે. શરદ પવારે પુણેમાં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, આવો બળવો અગાઉ પણ થયો છે. પણ હું પાર્ટીને ફરી એકવાર બનાવીને બતાવી દઈશ.
અગાઉ અજિત પવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તેમને રાષ્ટ્રવાદી કોંગ્રેસના તમામ લોકોના આશીર્વાદ મળ્યા છે. દરેક વ્યક્તિ રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં આવે છે. તમામ ધારાસભ્યો તેમની સાથે છે. બધાનો અર્થ એટલે કે બધા જ સાથે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને ખૂબ સારી રીતે આગળ લઈ જઈશું. અમે અલગ-અલગ વિસ્તારોમાં પાર્ટી કાર્યકર્તાઓને પણ મળીશું.