મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે કૉંગ્રેસ-એનસીપી વચ્ચે બેઠકોની વહેંચણી થઇ ગઇ છે. બંને પાર્ટીઓ 125-125 બેઠકો પર ચૂંટણી લડશે. આજે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે કહ્યું, કૉંગ્રેસ-એનસીપી વિધાનસભા ચૂંટણીમાં 125-125 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે 38 બેઠકો સહયોગી પાર્ટીઓને આપવામાં આવશે. મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 બેઠકો છે.


એનસીપી સુપ્રીમો શરદ પવારે 10 સપ્ટેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણીના મુદ્દા પર કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ચર્ચા કરી હતી. આ મામલે એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, બંને નેતાઓએ રાજ્યની સત્તારૂઢ ભાજપ-શિવસેના ગઠબંધનને રોકવા માટે કોંગ્રેસ અને એનસીપીની વચ્ચે ગઠબંધનના મુદ્દે વાતચીત કરી હતી. આ ગઠબંધનમાં સ્થાનિક પાર્ટીઓને પણ સામેલ કરવામાં આવશે.

2014ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ-એનસીપીને હરાવી ભાજપ સત્તામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં ભાજપે પોતાના દમ પર 122 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે શિવસેનાને 63 બેઠક પર જીત મળી હતી. કોંગ્રેસે 42 અને એનસીપીને 41 બેઠકો પર જીત મેળવી હતી.