મુંબઇઃ મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાન ચરમ પર પહોંચી ગયુ છે. ભારતીય જનતા પાર્ટી અને શિવસેના બહુમતી સાબિત કરવામાં અસમર્થ રહ્યાં, હવે રાજ્યપાલે રાજ્યમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી NCPને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યુ છે.


રાજ્યમાં હવે સરકાર બનાવવા માટે બાજી રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના હાથમાં છે. બીજેપી અને શિવસેના દ્વારા સમર્થન પત્ર રાજ્યપાલ સુધી ના પહોંચી શકવાની સ્થિતિમાં હવે રાજ્યપાલે NCPને નિમંત્રણ આપ્યુ છે, આ સમય આજે રાત્રે 8.30 વાગ્યા સુધીનો છે.



NCPએ આ મામલે કહ્યું કે રાજ્યપાલે અમને ત્રીજી મોટી પાર્ટી તરીકે રાજ્યમાં સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યુ છે. અમે અમારી ગઠબંધન પાર્ટી સાથે વાત કરીને આના પર નિર્ણય લેશુ, આજે રાત્રે 8:30 સુધીનો સમય આપવામાં આવ્યો છે.



ઉલ્લેખનીય છે કે, આ પહેલા શિવસેનાએ રાજ્યપાલ પાસે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે અને દાવો રજૂ કરવા માટે બે દિવસનો સમય માંગ્યો હતો. જોકે, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ આનો ઇનકાર કરી દીધો હતો. આદિત્ય ઠાકરે અને એકનાથ શિંદે સહિતના શિવસેના નેતાઓ રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા.



શું છે બેઠકોનુ ગણિત....
બીજેપીએ રાજ્યની વિધાનસભાની કુલ 288 બેઠકોમાંથી 105 બેઠકો પર જીત મેળવી છે. વળી, શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસ 44 બેઠકો પર જીત મેળવી શકી છે. રાજ્યમાં 13 બેઠકો અપક્ષના ફાળે આવી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે બહુમતી માટે 145 બેઠકોની જરૂર છે. આ ચૂંટણીમાં બીજેપી-શિવસેના અને કોંગ્રેસ-એનસીપી ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.