અજિત પવારે ભાજપને ટેકો આપ્યાના સમાચાર સામે આવ્યા બાદ મહારાષ્ટ્રના પવાર પરિવારમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. શરદ પવારનાં પુત્રી સુપ્રીયા સુળેએ વોટ્સએપ સ્ટેટ્સ પર પરિવાર અને પક્ષમાં ભાગલા પડ્યા હોવાનું પણ સ્ટેટ્સ મુક્યું હતું. આ સાથે શરદ પવારનો 41 વર્ષ જૂનો ઈતિહાસ તાજો થયો હતો અને જાણે ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
નોંધનીય છે કે, NCPના નેતા શરદ પવારે પણ 41 વર્ષ પહેલાં 1978માં મુખ્યમંત્રીની સત્તા સુધી પહોંચવા અજીત પવારની જેમ પોતાની જ પાર્ટી તોડી હતી. 1977માં થયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની દેશમાં પરાજય થયો હતો. મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસે અનેક સીટો પરથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
તે સમયે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શંકરરાવ ચૌવ્હાણે પરાજયની નૈતિક જવાબદારી લઈને પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમના સ્થાને વસંતદાદા પાટિલ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બન્યા હતા. જોકે આ જ સમયમાં કોંગ્રેસના કોંગ્રેસ (યુ) અને કોંગ્રેસ (આઈ) એમ બે ભાગલા પડી ગયા હતાં. શરદ પવારના રાજકિય ગુરૂ યશવંતરાવ પાટિલ કોંગ્રેસ (યુ)માં જોડાયા હતા.
વર્ષ 1978માં મહારાષ્ટ્ર વિધાનસભામાં બંને પક્ષ એકબીજા વિરૂદ્ધ ચુંટણી લડ્યા હતા. વિધાનસભાની ચૂંટણીના પરીણામ કોઈ એક પક્ષને બહુમતી ના મળતાં જનતાદળને સત્તાથી દૂર રાખવા કોંગ્રેસના બંને વિરોધી જુથોએ ભેગા મળીને સરકાર બનાવી હતી. વસંતદાદા પાટિલની સરકારમાં શરદ પવાર ઉદ્યોગ અને શ્રમમંત્રી બન્યા હતા.
જુલાઈ 1978માં શરદ પવારે રાજકિય ગુરૂના ઈશારે કોંગ્રેસ (યુ)થી છુટા પડીને જનતાદળના ટેકાથી સરકાર બનાવી હતી. માત્ર 38 વર્ષની ઉંમરે શરદ પવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા. જેને કારણે મહારાષ્ટ્રમાં શરદ પવારનું કદ વધી ગયું હતું અને યશવંતરાવ પાટિલ પવારની પાર્ટીમાં જોડાઈ ગયા હતા. 1980માં ઈન્દિરા ગાંધી કેન્દ્રની સત્તામાં પરત ફર્યાં હતા ત્યારે પવારના નેતૃત્વવાળી પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક ફન્ટની સરકાર તૂટી પડી હતી.