મુંબઈ: શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બન્યા છે. એનસીપીના ધારાસભ્ય દિલીપ વાલ્સે પાટિલને વિધાનસભાના પ્રોટેમ સ્પીકર બનાવાયા છે. કેબિનેટની ભલમાણ બાદ તેમની નિમણૂંક કરવામાં આવી છે. શનિવારે મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ થવાનું છે. દિલીપ વાલ્સે પાટિલની અધ્યક્ષતામાં ફ્લોર ટેસ્ટ થશે. સૂત્રો અનુસાર, ભાજપ તરફથી કાલે ફડણવીસને વિપક્ષ નેતા બનાવવામાં આવી શકે છે.

સૂત્રો અનુસાર, એનસીપી, શિવસેના અને કૉંગ્રેસ વચ્ચે નાયબ મુખ્યમંત્રી અને સ્પીકરના નામ પર હજુ કરી નિર્ણય લેવાયો નથી. આ ફસાયેલા પેંચ વચ્ચે મહારાષ્ટ્રમાં સત્તાની વહેચણીનો નવો ફોર્મ્યૂલા સામે આવ્યો છે. સૂત્રો અનુસાર, કૉંગ્રેસ અને એનસીપી બન્ને પાર્ટીના ડેપ્યુટી સીએમ હશે. જ્યારે સ્પીકરનું પદ એનસીપીના ખાતામાં જશે. એવી પણ ચર્ચા છે કે ડેપ્યૂટી સ્પીકરનું પદ કૉંગ્રેસને આપવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના 19માં મુખ્યમંત્રી તરીકે શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે ગુરુવારે ઐતિહાસિક શિવાજી પાર્કમાં શપથ લીધા હતા. ઉદ્ધવ ઠાકરે સાથે 6 નેતાઓએ પણ મંત્રી પદના શપથ લીધા હતા.