વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઈને ચર્ચા ચાલી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીની ડિગ્રી માંગી હતી. પીએમ મોદીની ડિગ્રી માંગવા બાબતે નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના દિગ્ગજ નેતા અજીત પવારે કેજરીવાલની આકરી ઝાટકણી કાઢી હતી. સાથે જ તેમણે પીએમ મોદીના વખાણ પણ કરતા અનેક તર્ક-વિતર્ક ઉભા થયા છે.


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની માંગણીના પગલે કેન્દ્રીય માહિતી આયોગે ગુજરાત યુનિવર્સિટીને PM મોદીની ડિગ્રી સંબંધિત માહિતી દિલ્હીના મુખ્યમંત્રીને આપવા જણાવ્યું હતું. આ આદેશ સામે ગુજરાત યુનિવર્સિટીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ બીરેન વૈષ્ણવે દિલ્હીના સીએમ પર 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ ઘટના બાદ વિપક્ષના નેતાઓ પીએમ મોદીની ડિગ્રી પર સતત પ્રહારો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર રીતસરનું અભિયાન ચલાવવામાં આવ્યું છે. PM મોદીની ડિગ્રીને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે 2014ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની જીત માટે નરેન્દ્ર મોદીના કરિશ્માને શ્રેય આપ્યો હતો.

અજિત પવારે કહ્યું હતું કે, દેશના યુવાનો માટે વડાપ્રધાનની શૈક્ષણિક ડિગ્રી કરતાં રોજગાર અને મોંઘવારી વધુ મહત્વના મુદ્દા છે. વિપક્ષ તરફથી પીએમની ડિગ્રીનો મુદ્દો ઉઠાવવાના સવાલ પર અજિત પવારે કહ્યું હતું કે, શું 2014માં જનતાએ ડિગ્રી જોઈને તેમને વોટ આપ્યા હતા?

સંસદમાં બહુમતી મહત્વની છે, ડિગ્રી નહીં

તેમણે કેજરીવાલ સહિત વિપક્ષના અનેક નેતાઓને દર્પણ દેખાડતા કહ્યું હતું કે, વર્ષ 2014માં મોદીએ કાશ્મીરથી કન્યાકુમારી સુધી કરિશ્મા કર્યો હતો જે ભાજપ પાસે નહોતો. અજિત પવારે કહ્યું હતું કે, આનો સંપૂર્ણ શ્રેય નરેન્દ્ર મોદી સાહેબને આપવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, ડિગ્રીનું શું મહત્વ?. આપણી લોકશાહીમાં સંસદમાં બહુમતી મહત્ત્વની છે. જેની પાસે 543 સીટોમાં બહુમતી હશે તે જ ચીફ બનશે.

રાજકારણમાં કોઈ ડિગ્રીની જરૂર નથી

અજિત પવારે મહારાષ્ટ્રનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, કુલ 288માંથી 145-146 સીટો મેળવનાર જ મુખ્યમંત્રી બનશે. મેડિકલ સેક્ટરમાં પ્રેક્ટિસ કરવા માટે MBBS અથવા તેની સમકક્ષ ડિગ્રીની જરૂર હોય છે પરંતુ રાજકારણમાં એવું કંઈ નથી. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતાએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી નવ વર્ષથી દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અજિત પવારે કહ્યું કે, બેરોજગારી અને મોંઘવારી વધુ મહત્વના મુદ્દા છે. ઘરેલું ગેસ સિલિન્ડર અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવ આસમાને છે. આ અંગે કોઈ ચર્ચા કરવા માંગતું નથી. તેમણે યુવાનોને લગતા મુદ્દાઓ, વિવિધ સરકારી વિભાગોમાં 75 હજાર ખાલી જગ્યાઓ પરની ભરતી તેમજ ખેડૂતો અને મજૂરોને લગતા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી અને કહ્યું હતું કે, મને નથી લાગતું કે આ પ્રકારના મોટા મુદ્દાઓને બદલે ડિગ્રીને મહત્વ આપવાની જરૂર છે.

સંજય રાઉતે પીએમ પર કટાક્ષ કર્યો હતો

મહત્વપૂર્ણ છે કે અજિત પવારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમની ઉચ્ચ ડિગ્રીના મુદ્દાને મહત્વ આપવાની જરૂર છે. નોંધપાત્ર વાત એ છે કે અજિત પવારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રાજ્યસભાના સાંસદ સંજય રાઉતની આગેવાનીમાં તેમની જ પાર્ટીના સહયોગી ઉદ્ધવ ઠાકરેએ પણ ડિગ્રી કેસમાં પીએમને ઘેર્યા હતા. સંજય રાઉતે કહ્યું હતું કે, વડાપ્રધાને તેમની શૈક્ષણિક લાયકાત અંગે માહિતી આપવા માટે આગળ આવવું જોઈએ. ટોણો મારતા તેમણે એમ પણ કહ્યું હતું કે, સંસદભવનના પ્રવેશદ્વાર પર પીએમની ડિગ્રી દર્શાવવી જોઈએ.