Sharad Pawar On NCP Working President: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે પાર્ટીના 25મા સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન એક મોટી જાહેરાત કરી હતી. તેમણે સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જાહેર કર્યા હતા. આ મામલે શરદ પવારે ખુલાસો કર્યો છે. 


શરદ પવારે કહ્યું હતું કે, કેટલાક સાથીઓને જવાબદારી સોંપવી જોઈએ. આ વિચારીને પ્રફુલ પટેલને રાજસ્થાન અને ગોવાની, સુપ્રિયા સુલેને મહારાષ્ટ્ર, હરિયાણા અને પંજાબ યુથ વિંગની જવાબદારી સોંપવામાં આવી છે. અમને ખુશી છે કે, અમારા સાથીઓએ આ જવાબદારી સ્વિકારી લીધી છે. આવતા મહિને એક જનરલ બોડીની બેઠક બોલાવવામાં આવશે તેમ તેમણે કહ્યું હતું.


નીતીશ કુમાર દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષની બેઠકને લઈને શરદ પવારે વધુમાં જણાવ્યું હતું કે, અમે 23મીએ પટનામાં બેઠક કરી રહ્યા છીએ. અમે લોકસભા અને રાજ્યની ચૂંટણીઓ અંગે ચર્ચા કરીશું. આગામી ત્રણ-ચાર મહિનામાં રાજ્યની ચૂંટણીમાં અમારે મજબૂતીથી કામ કરવાનું છે. કર્ણાટકમાં ભાજપે હનુમાનજીનું નામ લઈને વોટ માંગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લોકોએ તેને નકારી દીધો હતો. ભાજપ હંમેશા સમાજમાં ભાગલા પાડવાની રાજનીતિ કરતી આવી છે તેમ શરદ પવારે કહ્યું હતું. 


PMના ચહેરા વિશે શરદ પવારે શું કહ્યું?


પીએમના ચહેરા અંગે શરદ પવારે કહ્યું હતું કે, 1976-77માં કોઈની પાસે બહુમતી નહોતી. જનતા પાર્ટીએ સરકાર બનાવી, મોરારજી દેસાઈ પીએમ બન્યા. જો તે 1977માં શક્ય બન્યું હતું તો આજે પણ બની જ શકે છે. આ સાથે જ અજિત પવારને લઈને તેમણે કહ્યું કે, માનવામાં આવે છે કે તેઓ નારાજ છે પરંતુ એ બિલકુલ ખોટું છે. અજિત પવાર પાસે મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતાની જવાબદારી છે. તેમના નામ તેમના સાથીઓએ જ સૂચવ્યા હતા.


ગોડસે-ઔરંગઝેબ વિવાદ પર શું કહ્યું?


પવારે વધુમાં કહ્યું હતું કે, બિનજરૂરી મુદ્દાઓને મુદ્દા બનાવવામાં આવી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થા કથળી રહી હતી, જેના કારણે ત્રણ-ચાર જગ્યાએ પથ્થરમારો થયો હતો. મહારાષ્ટ્રમાં બની રહેલી ઘટનાઓ અંગે તેમણે કહ્યું હતું કે, આ હિંસા માટે સાંપ્રદાયિક હિંસાને પ્રોત્સાહન આપતી શક્તિઓ જવાબદાર છે. કાયદો અને વ્યવસ્થાની જવાબદારી રાજ્ય સરકારની છે. કાયદો હાથમાં લેનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ.