મુંબઈ: મહારાષ્ટ્રમાં 30 ડિસેમ્બરે કેબિનેટનું વિસ્તરણ થશે. કેબિનેટ વિસ્તરણ દરમિયાન એનસીપીના અજિત પવારને ઉદ્ધવ ઠાકરે સરકારમાં ઉપ મુખ્યમંત્રી જાહેર કરવામાં આવશે. સુત્રોની જાણકારી મુજબ એનસીપીના અજિત પવાર ઉપ મુખ્યમંત્રી પદના શપથ લેશે.


આ અગાઉ 2014 પહેલાં કોંગ્રેસ એનસીપીના શાસનમાં બે વખત નાયબ મુખ્ય પ્રધાન બન્યા હતા. ચાલુ વર્ષે અજિત પવારે 23 નવેમ્બરે બળવો કરી ભાજપ સાથે હાથ મિલાવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જોકે અજિત પવારે અંગત કારણો આગળ કરી નાયબ મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ કલાકોમાં જ દેવેંદ્ર ફડણવીસની સરકાર પડી ભાંગી હતી.

કેબિનેટના વિસ્તરણની ચર્ચા માટે મુખ્ય પ્રધાન ઉદ્વવ ઠાકરે અને એનસીપી પ્રમુખ શરદ પવારે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં લગભગ એક કલાક સુધી ચર્ચા વિચારણા કરી હતી. આ મીટિંગમાં કોંગ્રેસના કોઇ નેતા હાજર નહોતા. જોકે કેબિનેટ વિસ્તરણનો નિર્ણય કોંગ્રેસ સાથે ચર્ચા કર્યા બાદ જ લેવાશે.