અંડર ગ્રેજ્યુએટ કોર્સ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેસ ટેસ્ટ(NEET)2022  ની તારીખોની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે પરીક્ષાનું આયોજન 17 જુલાઈએ કરવામાં આવશે. તેના માટે ઓન લાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા 2 એપ્રિલથી શરૂ થશે. લેખિત પરીક્ષા અંગ્રેજી,હિન્દી, ઉર્દુ સહિત 13 ભાષામાં આયોજીત કરવામાં આવશે. ઈચ્છુક વિદ્યાર્થી 7 મે સુધી તેના માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.


રિપોર્ટ પ્રમાણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)એ યૂજી-નીટ પરીક્ષાની તારીખ નેશનલ મેડિકલ કમિશન(NMC) અને હેલ્થ મંત્રાલય સાથે વાતચીત બાદ નક્કી કરી છે. એજન્સી જલદીથી તેનું સત્તાવાર નોટિફિકેશન પોતાના પરીક્ષા પોર્ટલ neet.nta.nic.in પર જારી કરી શકે છે.


મહત્તમ વય મર્યાદા દૂર કર્યા પછી આ પ્રથમ વખત હશે જ્યારે NEET UG પરીક્ષા લેવામાં આવશે. આ અગાઉ બિનઅનામત ઉમેદવારો માટે મહત્તમ વય 25 વર્ષ અને અનામત ઉમેદવારો માટે 30 વર્ષ હતી. થોડા સમય પહેલા નેશનલ મેડિકલ કમિશને તેને હટાવી દીધી છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ વર્ષે લેવાનારી પરીક્ષામાં અગાઉની સરખામણીમાં ઉમેદવારોની સંખ્યામાં વધારો થઈ શકે છે.


સુપ્રીમ કોર્ટે અનામત મુદ્દે આપ્યો બહુ મોટો ચુકાદો


સુપ્રીમ કોર્ટે તમિલનાડુમાં વન્નિયારોને આપવામાં આવેલા 10.5 ટકા અનામતને રદ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે વન્નિયાર અનામત અધિનિયમ 2021ને ગેરબંધારણીય ગણાવીને ફગાવી દીધી હતી. વન્નિયારને આપવામાં આવેલ 10.5 ટકા અનામતને રદ કરી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું હતું કે અમારું માનવું છે કે વન્નિયારને અન્ય લોકોથી અલગ જૂથ તરીકે માનવા માટે કોઈ કારણ નથી. આ અનામત બંધારણની કલમ 14, 15 અને 16 હેઠળ સમાનતાના અધિકાર,  ધર્મ, જાતિ, વર્ણ, લિંગ અથવા જન્મ સ્થળના આધારે ભેદભાવ, જાહેર રોજગારની બાબતોમાં તકની સમાનતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે.


જસ્ટિસ એલ નાગેશ્વર રાવની બેન્ચે ચુકાદો આપતા અવલોકન કર્યું હતું કે આંતરિક અનામતનો આધાર જાતિ હોઈ શકે છે પરંતુ તે એકમાત્ર આધાર ન હોઈ શકે. સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના નવેમ્બર 1, 2021ના નિર્ણયને માન્ય રાખ્યો છે જે તત્કાલીન AIADMKની આગેવાનીવાળી સરકાર દ્વારા આપવામાં આવેલ વન્નિયાર સમુદાય માટે 10.5% આંતરિક અનામતને રદ કરતો હતો. સુપ્રીમ કોર્ટમાં અરજદારોએ દલીલ કરી હતી કે હાઈકોર્ટનો નિર્ણય કાયદામાં ખોટો હતો અને રાજ્ય વિધાનસભાને સમુદાયને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ક્વોટા આપવાની સત્તા આપવામાં આવી હતી.વન્નીયાર તમિલનાડુની સૌથી પછાત જાતિ છે. રાજ્ય સરકારે આ સમુદાયને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10.50 ટકા અનામત આપી હતી. 


સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમારું માનવું છે કે સૌથી પછાત જાતિના બાકીના 115 સમુદાયોમાંથી વન્નિયાર  ક્ષત્રિયોને અલગ જૂથ તરીકે વર્ગીકૃત કરવા માટે કોઈ નક્કર આધાર નથી. તેથી 2021નો કાયદો બંધારણની કલમ 14, 15 અને 16નું ઉલ્લંઘન છે. તેથી હાઈકોર્ટનો આદેશ યથાવત રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે તમિલનાડુ એસેમ્બલીએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તત્કાલીન શાસક AIADMK સરકાર દ્વારા રજૂ કરાયેલ બિલ પાસ કર્યું હતું. જેમાં વન્નિયારો માટે 10.5% આંતરિક અનામત આપવામાં આવી હતી. આ પછી, ડીએમકે સરકારે જુલાઈ 2021 માં તેને લાગુ કરવાનો આદેશ જાહેર કર્યો હતો.