કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે ભાજપ પર કોરોના વાયરસ અને અમ્ફાન વાવાઝોડા જેવી આફતમાં રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે. પર્યાવરણ દિવસના એક કાર્યક્રમમાં પહોંચેલા મમતા બેનર્જીએ કહ્યું મે ક્યારેય પ્રધાનમંત્રી મોદીને દિલ્હીથી હટાવવાની વાત નથી કરી જ્યારે ભાજપ વાવાઝોડા જેવી આફતમાં પણ સત્તા પરથી હટાવવાની કોશિશ કરી રહ્યું છે.


મમતા બેનર્જીએ વિશ્વ પર્યાવરણ દિવસ પર રિ-ગ્રીનિંગ કોલ કાર્યક્રમમાં કહ્યું, મને ખૂબજ ખરાબ લાગ્યું, જ્યારે કોરોના અને અમ્ફાન જેવી આફતમાં લોકોના જીવ બચાવી રહ્યા છીએ. એવામાં કેટલીક રાજકીય પાર્ટીઓ અમને સત્તા પરથી હટાવવાની વાત કરી રહી છે. મે ક્યારેય નથી કહ્યું કે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને દિલ્હીથી હટાવવા જોઈએ.

હાલમાં જ કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બંગાળ સરકાર પર કોરોના સામે લડવામાં લાપરવાહી રાખવાનો આરોપ લગાવ્યો હતો. મમતાએ અમિત શાહને જવાબ આપતા કહ્યું, 'શું આ રાજકારણ કરવાનો યોગ્ય સમય છે ? છેલ્લા ત્રણ મહિનાથી તેઓ ક્યા હતા ? જ્યારે અમે જમીન પર કામ કરી રહ્યા છીએ. બંગાળ કોરોના અને ભાજપના કાવતરા બંને સામે જરૂર જીતશે.'