નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે ભારતમાં કોરોના વાયરસનો એપી સ્ટ્રેન વેરીયન્ટ સામે આવ્યો છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને N440K વેરીયન્ટ તરીકે ઓળખાય છે. આ વેરીયન્ટ 15 ગણો વધુ ખતરનાક છે. જેને કારણે 3 થી 4 દિવસમાં જ લોકો બિમાર પડી જાય છે. તે કુરનુલમાં સૌ પહેલા જોવાયો હતો. તે ઝડપથી ફેલાય છે અને તેને કારણે દર્દી વધુ ગંભીર બની જાય છે.
વૈજ્ઞાનિકો અનુસાર, N440K વેરિઅન્ટ કોવિડ વાયરસ મુખ્ય રીતે દક્ષિણી રાજ્યો તેલંગણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને છત્તીસગઢના કેટલા ભાગમાં જોવા મળે છે.
સીસીએમબીના નિર્દેશક ડૉ રાકેશ મિશ્રા અનુસાર, ટૂંકા સમયગાળામાં મોટી માત્રામાં ચેપી વાયરસના ઉત્પન્ન કરવાની N440k મ્યુટન્ટ વેરિઅન્ટની ક્ષમતા ખૂબ વધારે છે.
એપી સ્ટ્રેન (AP Strain) એટલે N440K સ્ટ્રેનની શોધ પ્રથમ આંધ્રપ્રદેશના કુર્નુલમાં થઈ હતી. આ સ્ટ્રેન B1.617 અને B1.618 સ્ટ્રેન કરતાં વધુ શક્તિશાળી છે. વિશાખાપટ્ટનમના જિલ્લા કલેકટર વી.વિનય ચંદે જણાવ્યુ હતુ કે, હાલ CCMBમાં અનેક સ્ટ્રેનોની તપાસ કરવામાં આવી રહી છે. ક્યો સ્ટ્રેન કેટલો ખતરનાક છે, તે ફક્ત CCMBના વૈજ્ઞાનિકો જ કહી શકશે. પરંતુ તે સાચું છે કે નવો સ્ટ્રેન મળ્યો છે. તેના નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
કોરોના વાયરસનો નવો એપી સ્ટ્રેન (AP Strain) એટલે કે N440K સ્ટ્રેન ઝડપથી વિકસી રહ્યો છે. તેનો ઇનક્યૂબેશન સમયગાળો અને બીમારી ફેલાવવાનો સમયગાળો ટૂંકોછે. તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે તેમજ વધુ લોકોને સંક્રમણ લગાવી રહ્યો છે. આ સ્ટ્રેનથી સંક્રમિત લોકો 3 થી 4 દિવસની અંદર જ ગંભીર સ્થિતિમાં પહોંચી જાય છે.
દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી.
એક્ટિવ કેસ 34 લાખને પાર
દેશમાં એક્ટિવ કેસનો આંકડો 34 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,57,299 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3449 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,20,289 લોકો ઠીક પણ થયા છે.