Delhi Accident: રાજધાની દિલ્હીમાં ફરી એકવાર હિચકારી ઘટના સામે આવી છે. અહિં નવા વર્ષની ઉજવણીમાં દારૂ પીને છાટકા બનેલા કેટલાક નરાધમોએ એક યુવતીને 7 થી 8 કિલોમીટર સુધી રોડ પર ઢસડી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ યુવતીનું મોત નિપજ્યું છે. રોડ સાથે ઢસડાવવાના કારણે મહિલા નિર્વસ્ત્ર બની ગઈ હતી. 


દિલ્હીના કાંઝાવાલામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અકસ્માત 31 ડિસેમ્બરની વચ્ચેની રાત્રે ઘટી હતી. જેમાં એક યુવતી વાહનની નીચે ફસાઈ ગઈ હતી અને તેને 7-8 કિલોમીટર સુધી ઢસડવામાં આવી હતી. આ ઘટનામાં યુવતીનું મોત થયું હતું. તેના શરીર પરથી તમામ કપડા ફાટી ગયા હતા. બાદમાં યુવતીની લાશ નગ્ન અવસ્થામાં મળી આવી હતી. પોલીસે કારમાં સવાર પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


પોલીસનું કહેવું છે કે, આ મામલો અકસ્માતનો છે. ડીસીપી આઉટરના જણાવ્યા અનુસાર, આઉટર દિલ્હીની પોલીસને વહેલી સવારે માહિતી મળી હતી કે એક વાહનમાં એક લાશ લટકેલી છે, આ વાહન કુતુબગઢ તરફ જઈ રહ્યું છે. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી કારની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને માહિતી મળી કે કાંઝાવાલા વિસ્તારમાં એક યુવતીની નગ્ન લાશ રોડ પર પડી છે. ક્રાઈમ ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી અને ફોરેન્સિક પુરાવા પણ એકત્રિત કરવામાં આવ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે કારની શોધખોળ શરૂ કરી તો સુલતાનપુરીમાં કાર ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવી હતી.


પોલીસને એક સ્કૂટી પણ મળી હતી જે અકસ્માતનો ભોગ બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, માહિતી મળ્યા બાદ જાણવા મળ્યું હતું કે, અકસ્માત બાદ સ્કૂટી પર સવાર એક યુવતી વાહનના પૈડામાં ફસાઈ ગઈ હતી અને વાહન તેને ઘણું દૂર સુધી ખેંચી ગયું હતું.


દૂર સુધી ઢસડાવવાથી કપડા પણ ફાટી ગયા


આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મૃતદેહ નગ્ન અવસ્થામાં મળી આવ્યો છે. આ સ્થિતિમાં પોલીસ તમામ પાસાઓને લઈને તપાસ કરી રહી છે. પ્રાથમિક જાણકારી પોલીસે આ મામલાને અકસ્માત ગણાવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે અકસ્માત બાદ યુવતી કાર દ્વારા ઘણી દુર સુધી ઢસડાવવાના કારણે તેના કપડા ફાટી ગયા હતાં. 


કામ પરથી ઘરે પરત ફરી રહી હતી છોકરી


મુરથલ સોનીપતથી મંગોલપુરીમાં પોતાના ઘરે પરત ફરી રહેલા આરોપી છોકરાઓ નશાની હાલતમાં હતા જ્યારે તેમની છોકરીની સ્કૂટી સુલતાનપુરી પાસે અથડાઈ હતી. આ પછી છોકરી કારની નીચે ફસાઈ ગઈ હતી અને આરોપી છોકરાઓ તેને 7-8 કિલોમીટર સુધી ઢસડતા રહ્યા હતાં.


કાંઝાવાલાના જોન્ટી ગામ પાસે કારની નીચે બાળકીની લાશ ફસાયેલી જોઈને કોઈ રાહદારે પોલીસને ફોન કર્યો હતો. જાણવા મળ્યા મુજબ આ યુવતી મોડી રાત્રે એક ખાનગી ફંકશનમાં વેલકમ ગર્લ તરીકે કામ કરીને ઘરે પરત ફરી રહી હતી. તે દરમિયાન તેની સાથે અકસ્માત થયો હતો. હાલ વાહન ચલાવનાર આરોપી અમિત, તેની સામે બેઠેલા કાલુ સહિત અન્ય ત્રણ યુવકોની પોલીસે ધરપકડ કરી છે.