નવી દિલ્હી: ગત વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ થયેલા પુલાવામા હુમલા કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ( એનઆઈએ) વધુ બે આરોપીની ધરપકડ કરી છે. આ બન્ને પર આરોપ છે કે, તેમણે આતંકવાદીઓને વિસ્ફોટક અને રહેવાની સુવિધા પૂરી પાડી હતી. આ મામલે અત્યાર સુધી પાંચની ધરપકડ કરવામાં આવી છે. આ બન્નેને જમ્મુ સ્થિત એનઆઈએની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

એનઆઈએ અનુસાર, આરોપીઓનું નામ વજીર ઉલ ઈસ્લામ અને મોહમ્મદ અબ્બાસ છે. જેમાંથી એક શ્રીનગર અને પુલવામાનો રહેવાસી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે વજીર ઉલ ઇસ્લામે પોતાના અમેઝન ઓનલાઈન શોપિંગ એકાઉન્ટ દ્વારા આઈડી બનાવવા માટે વિસ્ફોટક પદાર્થની ખરીદ્યો હતો અને તેને આતંકીઓ સુધી પહોંચ્યાડ્યો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આ વિસ્ફોટક પદાર્થની ખરીદી પાકિસ્તાની આતંકીઓના કહેવા પર કરી હતી.


જ્યારે બીજા આરોપી મોહમ્મદ અબ્બાસ પર આરોપ છે કે, તે જૈશ-એ-મોહમ્મનો જૂનો ઓવરગ્રાઉન્ડ વર્કર છે. તેના પર આરોપ છે કે, આ હુમલામાં આઈઈડી બનાવાર આતંકવાદીઓને વર્ષ 2018માં પોતાના ઘરે આશ્રય આપ્યો હતો. આ સિવાય તેણે આ મામલામાં સામેલ જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ આદિલ અહમદ ડાર, સમીર અહમદ ડાર અને પાકિસ્તાની આતંકી કામરાનને પણ ઘણીવાર પોતાના ઘરમાં આશ્રય આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ પુલાવામામાં સીઆરપીએફના કાફલા પર મોટો આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં સીઆરપીએપના 40 જવાન શહીદ થઈ ગયા હતા.