નવી દિલ્હી: જમ્મુ કાશ્મીર પોલીસના સસ્પેન્ડ કરાયેલા ડીએસપી દેવેન્દ્ર સિંહ, આતંકવાદી નાવીદ બાબૂ, રફી અને ઈરફાનને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની વિશેષ કોર્ટમાં ગુરુવારે રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં દેવન્દ્રસિંહ સહિત તેના સાથી આતંકીઓને 15 દિવસના જ્યુડિશિયલ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આ ચારેયની રિમાન્ડ અવધિ ગુરુવારે સમાપ્ત થઈ રહી હતી.


દેવેન્દ્ર સિંહ તથા તેના આતંકી સાથીઓને ગત બુધવારે જ શ્રીનગરથી જમ્મુ લાવવામાં આવ્યા હતા. દેવેન્દ્રસિંહને જલ્દી જ દિલ્હી લાવવામાં આવી શકે છે.  હાલમાં એનઆઈએની ટીમ દેવેન્દ્ર સિંહની સતત પૂછપરછ કરી રહી છે. હવે જ્યુડિશિયલ કસ્ટડી વધાર્યા બાદ દેવેન્દ્ર સિંહને હિરાનનગર જેલમાં મોકલવામાં આવ્યો છે. જ્યારે અન્ય સાથી આતંકીઓને કોટબલવાલ જેલમાં મોકલી દેવાયા છે.
જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા 11 જાન્યુઆરીએ સસ્પેન્ડેડ ડીએસપી દેવેન્દ્ર સિંહની આતંકવાદીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી. દેવેન્દ્રસિંહ આતંકી નવીદ, રફી તથા ઈરાફનને સાથે લઈને જમ્મુ જઈ રહ્યો હતો. જમ્મુ કાશ્મીર પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી હતી, બાદમાં આ મામલાની તપાસ માટે એનઆઈએને સોંપવામાં આવી હતી.