નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગુરુવારે સંસદમાં કહ્યું કે, ઇન્ટરનેટનો ઉપયોગ બંધારણ હેઠળ મૌલિક અધિકાર નથી. પરંતુ વિચાર અભિવ્યક્તિનું એક માધ્યમ છે. છેલ્લા દિવસોમાં સુપ્રીમ કોર્ટના એક ચુકાદાથી ભ્રમની સ્થિતિ પેદા થઇ ગઇ હતી. કાયદા અને સંચાર મંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં કહ્યું કે આ ભ્રમ દૂર કરવાની જરૂર છે કે ઇન્ટરનેટના ઉપયોગને સુપ્રીમ કોર્ટે મૌલિક અધિકાર જાહેર કર્યો છે.


રવિશંકર પ્રસાદે કહ્યુ કે, સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ એક ચુકાદામા સ્પષ્ટ કર્યું છે કે સુનાવણી દરમિયાન કોઇ પણ વકીલે ઇન્ટરનેટના ઉપયોગના અધિકારને મૌલિક અધિકારના રૂપમાં જાહેર કરવા માટે કોઇ તર્ક આપ્યો નથી. એટલા માટે કોર્ટે તેના પર પોતાનો કોઇ મત રજૂ કરી રહી નથી. અમે અમને એ જાહેરાત સુધી સિમિત રાખીએ છીએ કે ઇન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરતા કલમ 91(1) (ક) હેઠળ ભાષણ આપવું અને વિચારોની અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર તથા કલમ 19(1) (છ)  હેઠળ કોઇ વ્યાપાર કરવાનો અધિકાર બંધારણીય રીતે સંરક્ષિત છે.

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ રાજ્યમાં ઇન્ટરનેટ સુવિધા બંધ કરવા સંબંધિત એક સવાલના જવાબમાં પ્રસાદે સ્પષ્ટતા કરી હતી કે ઇન્ટરનેટનો ઉપયોગનો અધિકાર મહત્વપૂર્ણ છે. બીજી તરફ દેશની સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. શું ઇન્ટરનેટનો દુરુપયોગ કરી આતંકવાદી પ્રવૃતિઓ કરવામાં આવી શકે છે તેવી આશંકાને નજરઅંદાજ કરી શકાય. ઇન્ટરનેટનો દુરુપયોગ ભારત જ નહી આખી દુનિયા માટે ખતરો છે અને તેને ધ્યાનમાં રાખી સુરક્ષાના કારણોસર આ સેવા રોકવી પડે છે.