જયપુર:  ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 43 હજાર 846 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 કરોડ 15 લાખ 99 હજાર 130 પર પહોંચી છે. દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને દેશના ઘણા રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. હવે રાજસ્થાનના 8 શહેરોમાં નાઈટ કફર્યૂ લગાડવામાં આવ્યો છે. આ શહેરોમાં રાજસ્થાનના પાટનગર જયપુર સહિત અજેમર, ભીલવાડા, જોધપુર, કોટા, ઉદયપુર, સાગવાડા અને કુશલગઢ સામેલ છે. આ નાઈટ કફર્યૂ આવતી કાલથી એટલે કે 22 માર્ચથી લાગુ થશે. રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કફર્યૂ રહેશે. આ દરમિયાન ઈમરજન્સી સેવાઓને છોડીને અન્ય તમામ સેવાઓ બંધ રહેશે.


મુખ્યમંત્રી અશોક ગહેલોતની અધ્યક્ષતામાં મળેલી કોરોના કોર ગ્રુપની બેઠકમાં પ્રતિબંધ લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંક્રમણને રોકવા માટે રાજ્યના તમામ શહેરોમાં રાત્રે 10 વાગ્યાથી બજાર બંધ કરવાના આદેશ પણ આપવામાં આવ્યાં છે. બીજી બાજુ 25 માર્ચથી રાજસ્થાનમાં બહારથી આવતા તમામ યાત્રિકો માટે 72 કલાકની અંદર RTPCR રિપોર્ટ નેગેટિવ હોવો અનિવાર્ય છે.


રાજસ્થાન આવતા તમામ યાત્રિકો માટે 72 કલાક પહેલાં જ RTPCR રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી છે. જે યાત્રિ નેગેટિવ રિપોર્ટ વગર આવશે તેમણે 15 દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેવું પડેશે. તમામ કલેક્ટર પોતાના જિલ્લામાં સંસ્થાગત કોરોન્ટિનની વ્યવસ્થા ફરીથી શરૂ કરશે. આ પહેલાં કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ માટે તેની અનિવાર્યતા હતી. હવે તમામ રાજ્યો માટે તેને અનિવાર્ય કરવામાં આવશે. એરપોર્ટ, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર યાત્રિકોની તપાસ કરવામાં આવશે.


ભારતમાં કેટલાક રાજ્યો એવા છે જ્યાં સતત કેસ વધી રહ્યા છે. આ રાજ્યો મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબ, મધ્યપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, ગુજરાત અને હરિયાણા છે. આ રાજ્યોમાં એક્ટિવ કેસ પણ વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં 1,92,294, તમિલનાડુમાં 7,291, પંજાબમાં 16,988, મધ્યપ્રદેશમાં 7,344, દિલ્હીમાં 3,409, કર્ણાટકમાં 12,847, ગુજરાતમાં 6737 અને હરિયાણામાં 4830 એક્ટિવ કેસ છે.


કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. રિકવરી મુદ્દે અમેરિકા બાદ ભારતનો બીજો નંબર છે. મોતના મામલે અમેરિકા, બ્રાઝિલ અને મેક્સિકો બાદ ભારત ચોથા ક્રમે છે.