લંડનઃ યુરોપ જનારા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. યુરોપના નવ દેશોએ કોવિશીલ્ડ રસી લેનારાઓને તેમના દેશમાં પ્રવાસ કરવાની મંજૂરી આપી દીધી છે. આ પહેલા ભારત સરકારે કોવિશીલ્ડ અને કોવેક્સિન રસી લેનારા લોકોને યુરોપમાં પ્રવાસ કરવાની વિનંતી કરી હતી. જોકે આ 9 દેશોએ કોવેક્સિનને મંજૂરી આપી નથી.


ઓસ્ટ્રિયા, જર્મની, સ્લોવેનિયા, ગ્રીસ, આઇસલેન્ડ, આર્યલેન્ડ અને સ્પેને કોવિશિલ્ડ રસી લેનારાઓને તેમના દેશમાં પ્રવાસ કરવાની છૂટ આપી છે. શેંઝેન સ્ટેટ તરીકે સ્વિત્ઝરલેન્ડ પણ કોવિશિલ્ડ રસીન માન્યતા આપી છે. ઇસ્ટોનિયાએ તો ભારત સરકારે મંજૂરી આપેલી તમામ રસીઆ લેનારાઓેને પ્રવાસ કરવાની માન્યતા આપી છે.


યુરોપિયન યુનિયનના સભ્ય દેશો વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા માન્યતાપ્રાપ્ત કોરોના રસી લેનારાઓને પણ પ્રવાસ કરવાની છૂટ આપી શકે છે.


દરમ્યાન વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ડો.ટેડરોસ અધાનોન ઘેબ્રેયેસસે મહામારીને કાબૂમાં લેવાનો અને ગ્લોબલ ઇકોનોમીને પાટે ચડાવવાનો શ્રેષ્ઠ માર્ગ રસીકરણ છે તેમ જણાવી સપ્ટેમ્બરના અંત સુધીમાં દરેક દેશની દસ ટકા વસ્તીનું રસીકરણ કરવાની હાકલ કરી હતી.


યૂએઈએ 21 જુલાઈ સુધી લગાવ્યા પ્રતિબંધ


બીજી બાજુ સંયુક્ત અરબ અમીરાતે ભારતથી આવનાર લોકો પર 21 જુલાઈ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. પહેલા 23 જૂનથી ઉડાનો શરૂ થવાની હતી. યૂએઈએ માત્ર ભારત જ નહીં પરંતુ 13 અન્ય દેશોમાંથી આવનારા લોકો પર પ્રતિબંધ લગાવ્યો છે. સંયુક્ત અરબ અમીરાતે ભારત સહિત 14 દેશોથી આવનાર ફ્લાઈટ્સ પર 21 જુલાઈ 2021 સુધી પ્રતિબંધ લગાવ્યો છે.


બીજી બાજુ બ્રાઝિલના જમણેરી પ્રમુખ જૈર બોલ્સોનારોના વિરોધીઓએ કોરોનાની રસી કોવાક્સિન મેળવવામાં પ્રમુખે ભષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કરતાં બોલ્સોનારોની હાલત કફોડી થઇ છે.


ભારતીય બનાવટની કોવાક્સિન રસીના 20 મિલિયન ડોઝ મેળવવામાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ થતાં આવતા વર્ષે ચૂંટણી લડીને જીતવાનું બોલ્સોનારો માટે મુશ્કેલી ઉભી થઈ છે. આજ કારણે બ્રાઝીલે ભારતની કંપનીને કોવેક્સિનનો આપેલ ઓર્ડર રદ્દ કરી દીધો છે. દરમ્યાન ઓસ્ટ્રેલિયામાં કોરોનાનો વધારે ચેપી વેરિઅન્ટ પ્રસરી રહ્યો હોવાથી લોકડાઉન લદાઇ રહ્યા છે તેમ સરકારની નિષ્ફળતાઓ પણ ખુલ્લી પડી રહી છે.