નવી દિલ્હી:  બિહારની નીતીશ કુમાર સરકારને મોટો ઝટકો લાગ્યો છે. બિહાર સરકારના સમાજ કલ્યાણ મંત્રી મદન સાહનીએ અચાનક રાજીનામાની જાહેરાત કરી દીધી છે. નીતીશ સરકારમાં મંત્રી મદન સાહનીએ અમલદારશાહી સામે નારાજગી વ્યક્ત કરતા રાજીનામું આપવાની વાત કરી છે. મંત્રી મદન સાહનીએ કહ્યુ કે, ઘર અને ગાડી લઈને શું કરીશ જ્યારે જનતાની સેવા કરી શકતો નથી. જ્યારે અધિકારી મારૂ સાંભળશે નહીં તો જનતાની સેવા કઈ રીતે કરીશ. જો જનતાનું કામ ન કરી શકું તો મંત્રી પદે રહેવાનો કોઈ અર્થ નથી. 



મદન સાહનીએ કહ્યું, વર્ષોથી તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તેઓ મંત્રી, મંત્રી પદની સુવિધા ભોગવવા નથી બન્યા, જનતાની સેવા કરવા માટે બન્યા છે. એવામાં જ્યારે જનતાનું કામ નહી કરી શકીએ, તો મંત્રી રહીને શું કરશું. તેમણે કહ્યું અધિકારીઓ તો દૂર વિભાગના ચપરાસી પણ તેમની વાત નથી સાંભળતા. એવામાં તેઓ પાર્ટીમાં રહેશે અને મુખ્યમંત્રીએ બતાવેલા રસ્તા પર ચાલશે. પંરતુ તેઓ મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. 


મદન સાહનીએ વિભાગના અધિક મુખ્ય સચિવ અતુલ પ્રસાદ પર મનમાનીનો આરોપ લગાવ્યો છે. સાહનીએ કહ્યુ કે, વિભાગમાં મંત્રીઓનું કોઈ સાંભળતુ નથી. બધા નિયમ-કાયદાના ધજાગરા ઉડાવવામાં આવી રહ્યાં છે. સમાજ કલ્યાણ વિભાગમાં વર્ષોથી ઘણા અધિકારી જામેલા છે અને મનમાનીથી કામ કરી રહ્યાં છે. તેને હટાવવાની જ્યારે વાત કહી તો અધિક મુખ્ય સચિવે સાંભળવાનો ઇનકાર કરી દીધો. મંત્રીએ કહ્યું કે, આ માત્ર મારી સ્થિતિ નથી પરંતુ બિહારમાં કોઈપણ મંત્રીનું કોઈ અધિકારી સાંભળતું નથી. તે બધા જાણે છે કે જૂન મહિનામાં અધિકારીઓ જે 3 વર્ષથી એક જ જગ્યાએ છે, તેની બદલી થાય છે. અમે આ બધા અધિકારીઓનું લિસ્ટ અધિક મુખ્ય સચિવની સામે રાખ્યુ પરંતુ તેને જોનારૂ કોઈ નથી.