નિર્ભયા રેપ કેસના દોષિત અક્ષયે વેદ, પુરાણ અને ઉપનિષદ જેવા ગ્રંથોનો હવાલો પણ આપ્યો છે. એટલું જ નહીં તેની વિચિત્ર દલીલ દિલ્હીના પ્રદુષણને લઈને પણ આપી છે. તેણે અરજીમાં લખ્યું કે, દિલ્હીમાં ખૂબજ વાયુ પ્રદુષણ છે. શહેર ગેસ ચેમ્બર બની ગયું છે. પાણીની ક્વાલિટી પણ ખરાબ છે. જેનાથી લોકો આમ પણ મરી રહ્યાં છે તો, મને ફાંસીની સજા આપવાની શું જરૂર છે ?
વકીલ એ.પી. સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં મહાત્મા ગાંધીનો હવાલો પણ આપવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, મહાત્મા ગાંધી કહેતા હતા કે જ્યારે કોઈ નિર્ણય લેતી વખતે શંકા હોય તો સમાજના તે સૌથી ગરીબ વ્યક્તિનો ચહેરો યાદ કરો, વિચારો કે શું આ નિર્ણયથી તેને કોઈ લાભ થશે. શંકા દુર થઈ જશે. મને ફાંસી આપવાથી કોઈને લાભ થશે નહીં.
ઉલ્લેખનીય છે કે, 16 ડિસેમ્બર 2012ના રોજ પેરામિડકલની વિદ્યાર્થીની સાથે ચાલુ બસે રેપ અને મારપીટ કરાઇ હતી, પીડિતાનું 29 ડિસેમ્બરે મૃત્યુ થયું હતું. સુપ્રીમ કોર્ટે 5 મે, 2017ના રોજ ચારેય દોષીતોને ફાંસીની સજા સંભળાવી હતી. હવે આરોપી અક્ષયે આ નિર્ણય પર પુનર્વિચારની માંગ કરી છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે 9 જુલાઈ, 2018ના રોજ ત્રણ દોષીતો મુકેશ, વિનય અને પવનની પુનર્વિચાર અરજી ફગાવી દીધી હતી.