નવી દિલ્હીઃ નિર્ભયાના દોષિતોને ફાંસી બાદ તિહાર જેલની બહાર એકઠા થયેલ લોકો ખુશ જોવા મળ્યા હતા. તેમણે જેલની બહાર ઉજવણી કરી અને મિઠાઈ વહેંચી હતી. લોકોએ કહ્યું કે, આજના દિવસે દેશની દરેક દીકરી અને ન્યાય પસંદ લોકો માટે આજે શુભ દિવસ છે. એક દીકરીની સાથે હેવાનીયત થઈ હતી અને આજે ન્યાય મળ્યો છે. આપણા બધા માટે ખુશીની વાત છે. જેલની બહાર લોકો મોટી સંખ્યામાં પ્લેકાર્ડ લઈને હાજર હતા. લોકોના હાથમાં તિરંગો હતો અને તે ઇન્કલાબ ઝિંદાબાદના નારા લગાવી રહ્યા હતા.


એક વ્યક્તિએ કહ્યું કે તે રાત્રે ત્રણ વાગ્યાથી તિહાર જેલની બહાર હાજર હતા અને દોષિતોને ફાંસી આપવામાં આવે તેની રાહ જોઈ રહ્યો હતો. આ પહેલા જ થવું જોઈતું હતું. દોષિતોના વકીલને લઈને આ વ્યક્તિએ કહ્યું કે તેણે ખૂબ જ ખોટું કર્યું છે.

બંધારણને કારણે ન્યાય મળ્યો - આશા દેવી

નિર્ભયાની માતાએ ચારેય નરાધમોને ફાંસી અપાયા બાદ જણાવ્યું હતું કે સાત વર્ષના ઈંતજાર બાદ આજે માત્ર નિર્ભયા જ નહીં, પરંતુ દેશની તમામ દીકરીઓને ન્યાય મળ્યો છે. ચારેય નરાધમોએ ફાંસી ટાળવા માટે તમામ તરકીબો અપનાવી હતી. તેના કારણે આપણી કાયદા વ્યવસ્થામાં જે ખામી છે તે પણ બહાર આવી છે. આખરે આજે તેમને ફાંસી થઈ છે. ભલે મોડો, પરંતુ અમને ન્યાય ચોક્કસ મળ્યો છે. અમારા બંધારણ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. પરંતુ આજે આ જ બંધારણ અને કાયદાને કારણે મને ન્યાય મળ્યો છે. દેશભરની મહિલાઓમાં કાયદા પ્રત્યે વિશ્વાસ વધશે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘મારી દીકરી હવે આ દુનિયામાં નથી, અને પાછી આવવાની પણ નથી. દેશની કોઈપણ દીકરી પર ફરી આવું કરવાની કોઈ હિંમત ન કરે તે માટે તેમની લડાઈ ચાલુ રહેશે. આ ચારેયને ફાંસી બાદ દરેક મા-બાપ પોતાના દીકરાને સ્ત્રીનું સમ્માન કરતાં શીખવશે. આખી રાત સુપ્રીમમાં દલીલો થયા બાદ જ્યારે ચારેયને ફાંસી આપવાનું નક્કી કરાયું ત્યારે મેં ઘરે આવી દીકરીની તસવીરને ગળે લગાવી આજે તેને ન્યાય મળ્યો હોવાનું કહ્યું હતું.’

નિર્ભયા આજે જ્યાં હશે ત્યાં ખુશ હશે - પિતા બદ્રીનાથ સિંહ

દોષિતોને ફાંસી આપ્યા બાદ નિર્ભયાના પિતા બદ્રીનાથ સિંહે કહ્યું, આજે નિર્ભયા ખરેખર ખુશ હશે. એક દીકરી ત્યારે ખુશ હોય છે જ્યારે તેના માતા પિતા ખુશ હોય, આજે અમે ખુશ છીએ માટે નિર્ભયા પણ ખૂબ જ ખુશ હશે. આજે તેની આત્માને શાંતિ જરૂર મળશે. અમારી માગ છે કે મહિલા સુરક્ષાને લઈને એવા કાયદા બને, જેથી ફરી ક્યારેય કોઈ માતા પિતાએ આ રીતે રાહ ન જોવી પડે.’