નવી દિલ્હીઃ દિલ્હીમાં 16 ડિસેમ્બર 2012ના રોજ નિર્ભયાની સાથે થયેલ ગેંગરેપ અને હત્યાના મામલે ચારેય દોષિતો મુકેશ સિંહ (32), પવન ગુપ્તા (25), વિનય શર્મા (26) અને અક્ષય કુમાર સિંહ (31)ને શુક્રવારે સવારે સાડા પાંચ કલાકે ફાંસી આપવામાં આવી. જેલના મહાનિદેશક ગોયલ અનુસાર દક્ષિણ એશિયાની સૌથી મોટી જેલ તિહાર જેલમાં પ્રથમ વખત ચાર દોષિતોને એક સાથે ફાંસી આપવામાં આવી. ચારેય દોષિતોએ ફાંસીથી બચવા માટે પોતાના તમામ કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કર્યો અને ગુરુવારે અડધી રાત્રે અંતિમ પ્રયત્નમાં સુપ્રીમ કોર્ટનાં ફરી એક વખત દરવાજા ખટખટાવ્યા હતા.


દોષિતોને 15 લોકોની ટીમની દેખરેખમાં ફાંસી આપવામાં આવી. મળતી જાણકારી મુજબ, ફાંસી આપ્યા બાદ અડધા કલાક સુધી તેમને ફાંસીના માંચડે જ લટકાવી રાખવામાં આવ્યા. તિહાડ જેલના મે઼ડિકલ ઓફિસરે નિર્ભયાના તમામ દોષિતોને મૃત જાહેર કર્યા છે. ત્યાર બાદ દોષિતોનો પેસ્ટમોર્ટમ દીનદયાળ ઉપાધ્યાય હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો અનુસાર, પવન ગુપ્તા નામના દોષિતે કપડાં બદલવામાં આનાકાની કરી હતી, વિનય નામનો દોષિત પણ ખૂબ રડ્યો હતો. પવન ગુપ્તાએ પણ માફી માગી પોતાને છોડી દેવા માટે કાકલૂદી કરી હતી.

દોષિતોને ફાંસી આપ્યા બાદ નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે, અંતે તેમને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા. આજનો દિવસ અમારી દીકરીઓના નામે, અમારી મહિલાઓના નામે કારણ કે આજના દિવસે નિર્ભયાને ન્યાય મળ્યો છે. હું ન્યાયતંત્ર, રાષ્ટ્રપતિ, કોર્ટ અને સરકારોનો આભાર વ્યક્ત કરું છું. આશા દેવીએ વધુમાં કહ્યું કે, આ મામલા બાદ કાયદાની ખામીઓ પણ બહાર આવી. તેમ છતાંય આપણું ન્યાયતંત્ર પર આપણો વિશ્વાસ બરકરાર છે.