તિહાર જેલના ડીજી સંદીપ ગોયલે જણાવ્યું કે, ‘ગુરુવારે સવારે પવન જલ્લાદને મેરઠથી તિહાર જેલ લાવવામાં આવશે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા એ જણાવવામાં નથી આવ્યું કે પવનને ક્યાં રાખવામાં આવશે? જોકે એ નક્કી છે કે, પવનના દિલ્હી પહોંચતા જ સૌથી પહેલા તિહાર જેલમાં આવેલ ફાંસી ઘર લઈ જવામાં આવશે જેથી તે ત્યાં ફાંસી માટે તિહાર પ્રશાસને જે વ્યવસ્થા કરી છે તેની જાણકારી મેળવશે.’
ગુરુવારે તિહાર જેલ જ મેરઠથી પવન જલ્લાદને લાવવાની વ્યવસ્થા કરશે. પવન જલ્લાદ મેરઠથી દિલ્હી ક્યા રસ્તે આવશે અને ક્યા સમયે આવશે, કેટલી સુરક્ષા સાથે આવશે? એ તમામ સવાલોનો જવાબ આપવાની તિહાર જેલ પ્રશાસને સુરક્ષાનું કારણ આપીને ના પાડી દીધી છે. જોકે બીજી બાજુ સૂત્રો જણાવે છે કે, પવન જલ્લાદને તિહાર જેલની મજબૂત અને ખૂબ જ સુરક્ષિત જેલ વેનમાં લાવવા માટે ઓછામાં ઓછા 15-20 હથિયારબંધ પોલીસકર્મીની જરૂર પડશે.
પવનને દિલ્હીના રસ્તે લાવવામાં આવશે. જોકે, અંતિમ સમય રસ્તો બદલવામાં આવે તેવી સંપૂર્ણ સંભાવના છે. આ સંભાવના છે કે જલ્લાદને લાવવા માટે દિલ્હી પોલીસની સાથે તામિલનાડુ સ્પેશિલ ફોર્સના જવાનો પણ સુરક્ષામાં જોડાઈ શકે છે.