નવી દિલ્હી: નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસમાં દોષિત પવન ગુપ્તાની અરજી સુપ્રીમ કોર્ટે એકવાર ફરી ફગાવી દીધી છે. પવન ગુપ્તા ઘટના સમયે પોતે સગીર હોવાનો દાવો કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી, તેના પર તેણે કોર્ટેને પુન:વિચાર કરવાનો અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, દિલ્હીની નીચલી કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ડેથ વોરંટ અનુસાર, નિર્ભયા રેપ કેસના તમામ દોષિતોને એક ફેબ્રુઆરીએ સવારે છ વાગ્યે ફાંસીની સજા આપવાના છે.

કોર્ટે નિર્ભયાના દોષિત પવનની અરજી 20 જાન્યુઆરીએ ફગાવી દીધી હતી. જેમાં તેણે દાવો કર્યો હતો કે ઘટના સમયે તે સગીર હતો.


નિર્ભયા કેસના ચારેય દોષિતોને એક ફેબ્રુઆરીએ ફાંસીની સજા આપવાની તારીખ જાહેર કરવામાં આવી છે. પરંતુ હજુ એ સ્પષ્ટ નથી કે ફાંસી 1 ફેબ્રુઆરીએ થશે કે નહીં. દોષિત વિનયની દયા અરજી પેન્ડિંગમાં છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન તિહાડ જેલ તરફથી કહેવામાં આવ્યું હતું કે વિનયને છોડીને ત્રણેય દોષિતોને ફાંસીની સજા આપવામાં આવી શકે છે.

16 ડિસેમ્બર, 2012ના રોજ દક્ષિણ દિલ્હીમાં એક ચાલતી બસમાં 23 વર્ષની પેરામેડિકલની વિદ્યાર્થીનીની સાથે છ લોકોએ ગેંગરેપ કર્યો હતો અને તેના પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ પીડિતાને ચાલતી બસમાંથી ફેંકી દીધી હતી.