નવી દિલ્હીઃ દિલ્હીના  રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર નારેબાજી કરવાના આરોપમાં સીઆઇએસએફએ છ યુવકોની અટકાયત કરી છે. દિલ્હી મેટ્રોની સુરક્ષા સંભાળનારી સુરક્ષા એજન્સી સીઆઇએસએફે કહ્યુ કે, શનિવારે છ યુવકોએ રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર નારેબાજી કરી રહ્યા હતા તે દરમિયાન ફરજ પર હાજર સીઆઇએસએફના જવાનોએ તરત જ તેમની અટકાયત કરી દિલ્હી મેટ્રોના સુરક્ષા અધિકારીઓને સોંપી દીધા હતા.


ડીસીપી મેટ્રોએ કહ્યું કે, બપોરે સાડા 12 વાગ્યે છ યુવકો રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર’ દેશના ગદ્દારોને, ગોલી મારો’ના નારા લગાવી રહ્યા હતા. આ યુવકોની અટકાયત કરીને રાજીવ ચોક મેટ્રો પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમની પૂછપરછ કરવામાં  આવી રહી છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઇના મતે જ્યારે મેટ્રો રાજીવ ચોક સ્ટેશન પાસે પહોંચવાની હતી તો આ યુવકોએ નારા લગાવ્યા હતા. ટ્રેનમાંથી ઉતરતા બાદ આ લોકો સીએએના સમર્થનમાં નારા લગાવતા હતા. આ ઘટનાને લઇને સીઆઇએસએફ તરત એક્શનમાં આવ્યા હતા અને છ યુવકોની અટકાયત કરી હતી.