નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ મામલે સુપ્રીમ કોર્ટે ચારમાંથી ત્રણ દોષિતોની પુનઃવિચારણા અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે ત્રણેય દોષિતોની ફાંસીની સજા યથાવત રાખી હતી. નિર્ભયાના માતાપિતાએ દોષિતોને કડકમાં કડક સજા આપવાની માંગણી કરી હતી.  નોંધનીય છે કે નિર્ભયા કેસમાં ચાર દોષિતોમાં સામેલ અક્ષય કુમાર સિંહે સુપ્રીમ કોર્ટના પાંચ મે 2017ના નિર્ણય સામે પુનઃવિચારણા અરજી દાખલ કરી નથી. અક્ષય કુમાર સિંહના વકીલ એપી સિંહે કહ્યું કે, અક્ષયે અત્યાર સુધીમાં પુનઃવિચારણા અરજી દાખલ કરી નથી અમે તેને દાખલ કરીશું.

મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, જસ્ટીસ આર. ભાનુમતિ અને જસ્ટીસ અશોક ભૂષણની પીઠે કે.મુકેશ, પવન ગુપ્તા, અને વિનય શર્માની ફાંસીની સજા યથાવત રાખી છે. સુપ્રીમ કોર્ટે 2017ના પોતાના ચુકાદામાં દિલ્હી હાઇકોર્ટ અને નીચલી અદાલત દ્ધારા 23 વર્ષીય વિદ્યાર્થીની પર બળાત્કાર અને હત્યાના કેસમાં આપવામાં આવેલી ફાંસીની સજાને યથાવત રાખી હતી. નિર્ભયા સાથે દક્ષિણ દિલ્હીમાં  ચાલતી બસમાં 16 ડિસેમ્બર 2012ના રોજ ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને ગંભીર રીતે ઘાયલ કર્યા બાદ તેને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી.

સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં 29 ડિસેમ્બર 2012ના રોજ સારવાર દરમિયાન તેનું મોત થઇ ગયું હતું. નોંધનીય છે કે આરોપીઓમાંથી એક રામસિહે તિહાડ જેલમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. આરોપીઓમાંથી એક સગીર હતો. જેને ત્રણ વર્ષ સુધી સુધાર ગૃહમાં રાખ્યા બાદ મુક્ત કરી દેવામાં આવ્યો હતો.