નવી દિલ્હીઃ દેશભરમાં ડુંગળીને લઇને ચર્ચા છે, વધતી કિંમતોથી લોકો ત્રાસી ગયા છે, મોદી સરકારની નીતિ સામે લોકો વિરોધ નોંધાવી રહ્યાં છે, સંસદમાં નેતાઓ સામાન્ય માણસને સ્પર્શે એવી ડુંગળીના મુદ્દાને હલકામાં લઇને ગમે તેવા નિવેદનો આપી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે ડુંગળીની કિંમતોને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે.

તામિલનાડુના કોઇમ્બતૂરમાં ડુંગળીની કિંમતો આસમાને પહોંચી છે, અહીં એક કિલો ડુંગળી 220 રૂપિયાના ભાવે વેચાઇ રહી છે. આ વધેલી કિંમતોથી સામાન્ય માણસની સ્થિતિ વધુ ખરાબ થઇ ગઇ છે.

ડુંગળીની કિંમતોને લઇને ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક વૂમન એસોસિએશન સતત પ્રદર્શન કરી રહ્યું છે, પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, ડુંગળીની કિંમતો 220 રૂપિયા કિલો પહોંચી ગઇ છે, સરકારે જલ્દીથી ડુંગળીનો પુરવઠો ભેગો કરીને લોકો સુધી પહોંચાડવો જોઇએ.

ડુંગળીની લઇને એકબાજુ દેશભરમાં રાજનીતિ શરૂ થઇ છે, ત્યારે વધુ એક મોટા સમાચાર પણ મળ્યા છે. યુપીના ગોરખપુરમાં એક રિક્ષાવાળા પાસેથી કેટલાક અજાણ્યા લોકોએ 50 કિલો ડુંગળી લૂંટી લીધી છે. રિક્ષાવાળો એક હૉટલમાં ડુંગળી પહોંચાડવા જઇ રહ્યો હતો, તે દરમિયાન આ ઘટના ઘટી હતી, પોલીસમાં અંગે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.