નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપના તમામ દોષિતોને ફાંસીની સજા આપી દેવામાં આવી છે. દોષિતોના વકીલ એપી સિંહ સતત દોષિતોને બચાવવા માટે ચર્ચામાં રહ્યા પરંતુ આ કેસમાં એક વકીલ એવા પણ હતા જે હીરો બનીને સામે આવ્યા છે. આ વકીલે નિર્ભયાના માતાપિતા તરફથી કોર્ટમાં દલીલ આપી હતી. આ વકીલનું નામ છે સીમા કુશવાહા. તે નિર્ભયા સાથે થયેલા સામૂહિક બળાત્કાર બાદ થયેલા પ્રદર્શનમાં સામેલ રહ્યા હતા. તે કોઇ પણ પરિસ્થિતિમાં નિર્ભયાના પરિવાર સાથે રહ્યા. આ તેમનો પ્રથમ કેસ હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.


સીમા કુશવાહા નિર્ભયા કેસમાં શરૂઆતથી જોડાયેલા રહ્યા. નિર્ભયા રેપ બાદ ઇન્ડિયા ગેટ, રાષ્ટ્રપતિ ભવન પર થયેલા પ્રદર્શનમાં પણ તેઓ સામેલ રહ્યા હતા. ત્યારબાદ તેમણે વિચાર્યું કે, તે વકીલ છે તો પછી કેમ તે આ કેસ ના લડે. બાદમાં  તેમણે નિર્ભયાને ન્યાય અપાવવાનો નિર્ણય કર્યો. સીમા કુશવાહા જણાવે છે કે જો તે આ મામલાને ફાસ્ટ ટ્રેક કોર્ટ, લિસ્ટિંગ માટે પ્રયાસો ના કરતી તો કેસ લટકી રહ્યો હોત.

એક રિપોર્ટ અનુસાર,  સીમાએ  દિલ્હી યુનિવર્સિટીમાંથી લોનો અભ્યાસ કર્યો છે. નિર્ભયા રેપ કેસ દરમિયાન તે ટ્રેની હતા. તે નિર્ભયા જ્યોતિ લીગલ ટ્રસ્ટ સાથે પણ જોડાયેલા છે. જે બળાત્કાર જેવા કેસમાં કાયદાકીય સલાહ આપવા માટે નિર્ભયાના પરિવારે બનાવ્યું હતું. એક ટીવી ઇન્ટરવ્યૂમાં સીમાએ કહ્યું હતુ કે, તે સિવિલ પરીક્ષા આપીને આઇએસ બનવા માંગતી હતી.