નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસના ચારેય દોષિતોને શુક્રવારે સવારે સાડા પાંચ વાગ્યે તિહાડ જેલમાં ફાંસી આપવામાં આવી. સાત વર્ષ બાદ નિર્ભયાના પરિવારજનોને ન્યાય મળ્યો હતો. ફાંસી અગાઉ જેલ મેન્યુઅલ અનુસાર, દોષિતોને અંતિમ ઇચ્છા પુરી કરવામાં આવે છે. ફાંસીઅગાઉ દોષિતોને પૂછવામાં આવ્યું કે મોત બાદ તેમની સંપત્તિનું શું કરવામાં આવે. તે સિવાય અંગદાનને લઇને પણ પૂછવામાં આવ્યું હતું. સાથે તેમને પૂછવામાં આવ્યું કે જે સામાન જેલમાં તેમની પાસે છે કે કોને આપવા માંગશો. આ મેન્યુઅલ હેઠળ ચારેયને તેમની અંતિમ ઇચ્છા પૂછવામાં આવી હતી. આ તમામ પ્રક્રિયા શુક્રવારે સવારે 4:45થી લઇને 5 વાગ્યા વચ્ચે કરવામાં આવી.

જેલ વહીવટીતંત્રએ કહ્યુ કે, દોષિતો તેમની અંતિમ ઇચ્છા જણાવી નહોતી. જોકે, બે દોષિતોએ પોતાની કેટલીક ચીજો સંભાળીને રાખવાની વાત કરી હતી. દોષિત મુકેશે જેલ અધિકારીઓને લેખિતમાં જણાવ્યું હતું કે,તે પોતાની બોડીને ડોનેટ કરવા માંગે છે. ફાંસી આપ્યા અગાઉ દોષિત વિનયે જેલ સુપ્રીટેન્ડ઼ેટે પોતાની બનાવેલી પેઇન્ટિંગ આપી. તે સિવાય તેની પાસે હનુમાન ચાલિસા પણ હતી. આ બંન્ને ચીજો પરિવારજનોને આપવા કહ્યુ હતુ. વિનયે કુલ 11 પેઇન્ટિંગ બનાવી હતી.

જેલ વહીવટીતંત્રએ કહ્યુ કે, પવન અને અક્ષયે કોઇ ઇચ્છા જણાવી નહોતી. તિહાડ જેલે કહ્યુ કે, દોષિતોએ જેલમાં કમાયેલા રૂપિયા તેમના પરિવારજનોને આપી દેવામાં આવશે. તે સિવાય તેમના કપડા અને સામાન પણ પરિવારજનોને સોંપી દેવાશે.