નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે રિયલ એસ્ટેટ સેક્ટરને મોટી રાહતની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, દેશભરમાં અટકાયેલા હાઉસિંગ પ્રોજેક્ટ માટે સરકારે 10 હજાર કરોડ રૂપિયાના ફંડ આપવાનો નિર્ણય કર્યો છે. તે સિવાય તેમણે કહ્યુ કે,  એલઆઇસી હાઉસિંગ અને એસબીઆઇ તરફથી તેમાં પૈસા નાખવામાં આવશે. કુલ ભંડોણ હાલમાં 25 હજાર કરોડ રૂપિયાનું નક્કી કરવામાં આવ્યું છે.


નિર્મલા સીતારમણે કહ્યું કે, સસ્તા, સરળ શરતો પર ફંડ આપવામાં આવશે. જેનાથી એફોર્ડેબલ અને લો કોસ્ટ હાઉસિંગ પ્રોજેક્ટને ફાયદો મળશે. જે પ્રોજેક્ટ એનપીએ થઇ ગયા છે અથવા એનસીએલટીમાં છે તેમને ફાયદો થશે. કેબિનેટ બેઠક બાદ નાણામંત્રીએ કહ્યું કે, સરકાર, એલઆઇસી અને એસબીઆઇની મદદથી 25000 કરોડ રૂપિયાનું ફંડ બનાવવામાં આવશે. જેનાથી ઘર ખરીદદારોને મદદ મળશે.


નોંધનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, સરકાર અને ભારતીય રિઝર્વ બેન્ક આ ક્ષેત્રની મુશ્કેલીઓના ઉકેલવાની દિશામાં કામ કરી રહ્યા છે. સરકારના મતે દેશમાં લગભગ 1600 હાઉસિંગ પ્રોજેક્ટ અટકી ગયા છે અને 4.58 લાખ ઘર તેમાં ફસાયેલા છે. સીતારમણે કહ્યું કે, છેલ્લા બે મહિનામાં અનેક બેઠકો થઇ જેમાં ઘર ખરીદરારો અને બેન્ક પ્રતિનિધિ પણ સામેલ થયા હતા.