નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. અત્યાર સુધીમાં 71 લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જોકે રાહતની વાત એ છે કે આશરે 62 લાખ લોકો સંક્રમણ મુક્ત થઈ ચુક્યા છે. આ દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટ જનરલે મંગળવારે કહ્યું કે, દેશમાં અત્યાર સુધી કોરોના રી-ઇંફેક્શનના 3 મામલા સામે આવ્યા છે.

રી-ઇફંકેશનના 2 મામલા મુંબઈમાં જ્યારે 1 મામલો અમદાવાદમાં આવ્યો છે.તેમણે કહ્યુ કે, ડબલ્યૂએચઓ મુજબ વિશ્વમાં કોરોના રી-ઇંફેક્શનના અત્યાર સુધીમાં કુલ 24 મામલા સામે આવ્યા છે. ડબલ્યુએચઓ નક્કી નથી કરી શક્યું કે રી-ઈંફેક્શન 100 દિવસ બાદ થયું કે 90 દિવસ બાદ. જોકે હાલ આ સમયગાળાને 100 દિવસ માની રહ્યા છે.

પ્રેસ કોન્ફરન્સમાં નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલે કહ્યું,  હાલ કોવિડ-19ની અસરમાં સ્થિરતા છે. આપણે આપણી સ્વચ્છતા પદ્ધતિમાં વધુ સાવચેત રહેવું જોઈએ. શિયાળા દરમિયાન મોટાભાગના શ્વસન વાયરસ વધે છે. વર્તણૂકીય ફેરફાર જરૂરી છે, માસ્ક ફરજિયાત  પહેરવું જોઈએ. થ્રી-પ્લાય માસ્ક અને ઘરે બનાવેલું માસ્ક કોવિડ-19ના સંક્રમણને રોકવા સામે ફાયદાકારક છે. હોસ્પિટલોમાં કામ કરતા આરોગ્ય કર્મચારીઓ માટે એન 95 માસ્ક ફાયદાકારક છે, જ્યારે સર્જિકલ માસ્ક સામાન્ય ઉપયોગમાં અસરકારક છે.



દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 55,342 કેસ નોંધાયા છે અને 706 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 71,75,881 પર પહોંચી છે. જેમાંથી 8,38,729 એક્ટિવ કેસ છે અને 62,27,296 ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. દેશમાં 1,09,856 લોકોના કોરોનાથી મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુઆંકમાં 53 ટકા લોકો 60 કે તેથી વધુ વર્ષના હતા. જ્યારે 35 ટકા મોત 45-60 વર્ષના અને 10 ટકા 26-44 વર્ષના લોકોના થયા છે.