Coronavirus In India : ચીનમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે ત્યારે હવે ભારતમાં પણ સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સાવચેતીના ભાગરૂપે અત્યારથી જ ભારતમાં કોવિડની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC), ભારતીય તબીબી સંશોધન પરિષદ અને બાયોટેકનોલોજી વિભાગના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા. કોરોનાની સ્થિતિનો તાગ મેળવવા મીટિંગમાં શું શું ચર્ચા કરવામાં આવી અને કેવા કેવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા તે નીચે મુજબ છે. 


નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પૉલે પણ મહત્વની સલાહ આપી છે. તેમણે કોરોનાની સ્થિતિમાં શું શું તકેદારી રાખવી તેની પણ જાણકારી આપી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ મહત્વના દિશા-નિર્દેશ આપ્યા હતાં. 


કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે,  કોવિડ હજી ખતમ થયો નથી. મેં તમામ સંબંધિત વિભાગોને સતર્ક રહેવા અને દેખરેખ મજબૂત કરવા નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે, ટીમ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.


મીટિંગ પૂરી થયા બાદ નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પૉલે લોકોને વાયરસના ફેલાવાને રોકવા માટે ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની સલાહ આપી હતી. ડૉ. વી.કે. પૉલે કહ્યું હતું કે, જો તમે ભીડવાળી જગ્યાએ, ઘરની અંદર કે બહાર હોવ તો માસ્કનો ઉપયોગ અવશ્ય કરો. વૃદ્ધ લોકો માટે આ બધી બાબતો ઘણી મહત્વની છે.


અગાઉ, સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે, સમીક્ષા બેઠકમાં મુખ્યત્વે 6 મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તેમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક એરપોર્ટ પર આવનારા કોવિડ કેસોને અટકાવવા માટેની વ્યૂહરચનાઓ, વિદેશથી મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે માર્ગદર્શિકા નક્કી કરવી અને કોવિડના નવા વેરિએંટ પર નિષ્ણાતોની સલાહ લેવાનો સમાવેશ થાય છે.


મીડિયા અહેવાલો અનુસાર, સરકારે કહ્યું હતું કે, તમામ કોવિડ-પોઝિટિવ કેસોના નમૂના દરરોજ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે મેપ કરેલ INSACOG જીનોમ સિક્વન્સિંગ લેબમાં મોકલવા જોઈએ. INSACOGએ સ્વાસ્થ્ય મંત્રાલય અંતર્ગત આવનારૂ એક ફોરમ છે, જ્યાં વિવિધ પ્રકારના કોવિડ અને તેના વિવિધ વેરિએંટનો અભ્યાસ કરવામાં આવે છે.


એક પત્રમાં આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, જાપાન, અમેરિકા, કોરિયા રિપબ્લિક, બ્રાઝિલ અને ચીનમાં વધતા કેસોને ધ્યાનમાં રાખીને વેરિઅન્ટને ટ્રેક કરવા માટે પોઝિટિવ કેસના નમૂનાઓની જીનોમ સિક્વન્સિંગ તૈયાર કરવી જરૂરી છે. તેમણે આગળ ઉમેર્યું હતું કે, આ પ્રકારની કવાયતથી દેશમાં નવા વેરિઅન્ટની સમયસર તપાસ કરી શકાય છે.


ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 129 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા 3,408 છે. જોકે રાહતની વાત એ છે કે, ગત 24 કલાકમાં કોરોનાથી માત્ર એક જ વ્યક્તિનું મોત નોંધાયું છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 5 લાખ 30 હજારથી વધુ લોકોના મોત થયા છે.