નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહે બિહારના વૈશાલીમાં એક રેલી સંબોધી હતી. તેમણે કહ્યું કે, અમે બિહાર વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં જ લડીશું. તેમણે નાગરિકતા સંશોધન કાયદાને લઇને કોગ્રેસ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, રાહુલ બાબા અને લાલૂ પ્રસાદ યાદવ સીએએ પર લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મમતા બેનર્જી પણ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. હું કહેવા માંગું છું કે આ નાગરિકતા આપવાનો કાયદો છે આ કાયદાથી કોઇની નાગરિકતા છીનવાશે નહીં.


બિહારમાં ભાજપ અને જેડીયૂ વચ્ચે અણબનાવની અફવાઓ વચ્ચે અમિત શાહે કહ્યું કે, 2020માં બિહાર વિધાનસભા ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં લડવામાં આવશે. આ અગાઉ એલજેપીના અધ્યક્ષ ચિરાગ પાસવાન પણ કહી ચૂક્યા છે કે બિહાર વિધાનસભા ચૂંટણી નીતિશના નેતૃત્વમાં જ લડવામાં આવશે.


નોંધનીય છે કે બિહારના ભાજપના નેતા નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડવાને લઇને સવાલ ઉઠાવી રહ્યા છે. ભાજપ નેતા સંજય પાસવાને કહ્યું હતું કે બિહારના લોકો એક ભાજપ નેતાને બિહારના મુખ્યમંત્રીના રૂપમાં જોવા માંગે છે. તેમણે દાવો કર્યો હતો કે ઝારખંડ વાળી સ્થિતિ બિહારમાં નથી. નીતિશ કુમારનો ચહેરો હવે જૂનો થઇ ગયો છે. બિહારના લોકો હવે થાકેલા મુખ્યમંત્રી નીતિશ કુમારના બદલે ભાજપના મુખ્યમંત્રી ઇચ્છે છે.