મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેના પ્રવક્તા સંજય રાઉતે પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીને લઈ કરેલા નિવેદન બાદ બબાલ થઈ ગઈ છે. સંજય રાઉતે ગઈકાલે એક કાર્યક્રમમાં દાવો કર્યો કે, ઈન્દિરા ગાંધી મુંબઈના પાયધુની વિસ્તારમાં અંડરવર્લ્ડ ડૉન કરીમ લાલાને મળવા જતો હતો. સંજયના નિવેદન બાદ કોંગ્રેસે કહ્યું કે, જો આમ હોય તો તેઓ પૂરાવા આપે. જ્યારે બીજેપીએ આરોપ લગાવ્યો કે અંડરવર્લ્ડ અને કોંગ્રેસનો જૂનો સંબંધ છે અને આ દાવાની સીબીઆઈ તપાસ થવી જોઈએ.


સંજય રાઉતે શું કહ્યું હતું ?

કાર્યક્રમમાં તેમના પત્રકારત્વના અનુભવોની વાત કરતાં સંજય રાઉતે કહ્યું, અમે અંડરવર્લ્ડનો જે સમય  જોયો છે તેમાં ડૉન હાજી મસ્તાન મંત્રાલય પહોંચતો ત્યારે લોકો તેના સ્વાગત માટે બહાર આવતા હતા. દેશની પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી પણ મુંબઈના પહેલા ડોન કરીમ લાલાને પાયધુની વિસ્તારમાં મળવા જતા હતા. આ કાર્યક્રમમાં સામના અખબારના સંપાદક તરીકે તેમણે અનુભવો શેર કર્યા હતા. જેમાં તેમણે કહ્યું, હું તે વ્યક્તિ છું જેણે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને પણ ફટકાર લગાવી હતી.


રાઉતના નિવેદન બાદ કોંગ્રેસ-ભાજપે શું કહ્યું ?

કોંગ્રેસ પ્રવક્તા ચરણ સિંહ સાપરાએ કહ્યું, સંજય રાઉતે જે કહ્યું તેનો પૂરાવા આપે. અમે આ નિવેદનને યોગ્ય નથી માનતા. મહારાષ્ટ્રમાં શિવસેનાએ કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી છે. શિવસેનાના જૂના સાથી ભાજપે રાઉતના નિવેદન બાદ કોંગ્રેસ પર આરોપ લગાવ્યા છે. ભાજપ નેતા આશીષ સૈલારે કહ્યું, સંજય રાઉતે જે કહ્યું તે સત્ય હોય તો સીબીઆઈ તપાસ થવી જોઈએ. સંજય રાઉતે તેના દાવાના પૂરાવા આપવા જોઈએ.

વાંચોઃ  ‘અંડરવર્લ્ડ ડૉન કરીમ લાલાને મળવા જતા હતા પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી’, શિવસેના નેતા સંજય રાઉતનો દાવો

કોણ હતો અંડરવર્લ્ડ ડોન કરીમ લાલા ?

અંડરવર્લ્ડ ડૉન કરીમ લાલાનું પૂરુ નામ અબ્દુલ કરીમ શેર ખાન હતું. તેનો જન્મ અફઘાનિસ્તાનમાં થયો હતો. વર્ષ 1930માં કરીમ લાલા મુંબઈ આવ્યો હતો. વર્ષ 1960 થી 1980 સુધી કરીમ લાલા મુંબઈમાં અંડરવર્લ્ડનું મોટું નામ બની ગયો હતો. તે મુંબઈમાં સોના, ચાંદી અને હથિયારોનું સ્મગલિંગ કરતો હતો. જે બાદ તે સટ્ટાબાજી અને ડ્રગ્સ રેકેટમાં સામેલ થયો હતો. વર્ષ 2002માં 90 વર્ષની વયે કરીમ લાલાનું મુંબઈમાં મોત થયું હતું.

વાંચોઃ મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહમાં કેટલા કરોડનો થયો ખર્ચ ? RTIમાં થયો ખુલાસો

કોણ હતો હાજી મસ્તાન ?

હાજી મસ્તાન તમિલનાડુનો રહેવાસી હતો. 8 વર્ષની ઉંમરમાં હાજી મસ્તાન મુંબઈ આવ્યો હતો. પેહલા તેણે સાઇકલની દુકાન ખોલી અને 1944માં ડૉક પર કુલી બની ગયો. ડૉક પર જ હાજી મસ્તાને તસ્કરીનું કામ શરૂ કરી દીધું. વિદેશમાંથી સોનાના બિસ્કીટ, ફિલિપ્સના ટ્રાંઝિસ્ટર અને બ્રાંડેડ ઘડિયાળોની તસ્કરી કરતો હતો. વર્ષ 1974માં પોલીસે પ્રથમ વખત તેની ધરપકડ કરી હતી. 18 મહિના જેલમાં રહ્યા બાદ તે બહાર આવ્યો અને 1984માં દલિત-મુસ્લિમ સુરક્ષા મહાસંઘ નામની પાર્ટી બનાવ્યા બાદ રાજકારણમાં આવ્યો હતો. હાજી મસ્તાને સમગ્ર જીવન દરમિયાન ક્યારેય ગોળી નહોતી ચલાવી કે કોઈની હત્યા કરી નહોતી તેમ કહેવાય છે. 1994માં હાર્ટ અટેકથી હાજી મસ્તાનનું મોત થયું હતું.