નવી દિલ્હી: દિલ્હી રમખાણ સાથે નિજામુદ્દીન મરકઝનું પ્રોપર્ટી કનેક્શન હોવાનો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે, રાજધાની સ્કૂલના માલિક ફૈજલ ફારુક અને મરકઝના વડા મૌલાના સાદના ફંડ મેનેજર વચ્ચે ખાસ સંબંધ છે. મૌલાના સાદના એક સંબંધિ પણ ફૈજલના સંપર્કમાં હતા. રમખાણના દિવસે સાદના નજીકના અને ફૈજલ વચ્ચે વાત થઈ હતી. દંગા પહેલા ફૈજલે નોર્થ ઈસ્ટ દિલ્હીના યમુના વિહાર અને આસપાસના વિસ્તારમાં કરોડો રૂપિયાની પ્રોપર્ટી ખરીદી હતી. તેમાં એક પ્રોપર્ટી આઠ કરોડ રૂપિયા અને એક પ્રોપર્ટી રૂપિયા 10 કરોડની બતાવવામાં આવી છે.


દિલ્હી પોલીસને આશંકા છે કે મરકઝના પૈસા ફૈજલ દ્વારા પ્રોપર્ટીમાં લગાવવામાં આવ્યા. પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે, શું ફૈજલ દ્વારા દંગા કરનારાઓને પૈસા વહેંચવામાં આવ્યા હતા. ફૈજલ ત્રણ સ્કૂલનો માલિક હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. ફૈજલ, ફારુક વિરુદ્ધ દિલ્હી પોલીસે બુધવારે(3 જૂન) કડકડડૂમા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

દિલ્હી પોલીસે કોર્ટમાં જે ચાર્જશીટ દાખલ કરી છે તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, રમખાણને એટલા માટે અંજામ આપવામાં આવ્યો કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ભારતના પ્રવાસ પર આવાના હતા. દંગા કરીને ભારતની છબિ ખરાબ કરવા માંગતા હતા અને તેનો માસ્ટરમાઈન્ડ આમ આદમી પાર્ટીમાંથી કાઢી મુકવામાં આવેલ કાઉન્સિલર તાહિર હુસૈન છે.

ચાર્જશીટ અનુસાર દંગા કરનારાઓએ ચાંદબાગ વિસ્તારમાં ભારે આગજની કરી પરંતુ તાહિર હુસૈનના ઘરને કોઈ નુકસાન પહોંચાડ્યું નહોતું. તાહિરે પૂછપરછ દરમિયાન કબૂલ કર્યું છે કે, CAA વિરોધી પ્રદર્શનકારીઓના સંપર્કમાં હતા. 8 જાન્યુઆરીના રોજ તે યૂનાઈટેડ અગેન્સ્ટ ખાલિદ સેફી અને JNU વિદ્યાર્થી ઉમર ખાલિદને શાહીન બાગમાં મળ્યો હતા. આ ઉમર ખાલિદે તેને અમેરિકી રાષ્ટ્રપતિના ભારત યાત્રા દરમિયાન કંઈક મોટું કરવા માટે તૈયાર રહેવા રહ્યું હતું.

ચાર્જશીટ પ્રમાણે તાહિર હુસૈનને એ પણ કહેવામાં આવ્યું હતું કે, ઉમર ખાલિદ અને PFIના સભ્ય તેના કામમાં આર્થિક રીતે તેમની મદદ કરશે. તાહિર હુસૈને ખુલાસો કર્યો કે, તેને પોતાની માલિકીના હકવાળી કંપનીઓના ખાતામાંથી લગભગ 1 કરોડ 10 લાખ રૂપિયા જાન્યુઆરીના બીજા સપ્તાહમાં બોગસ કંપનીઓમાં ટ્રાન્સફર કર્યા. તે પૈસાને રોટેટ કરીને કેશ મેળવ્યા હતા. બાદમાં તે પૈસાથી તેણે દંગાની તૈયારી શરૂ કરી.