નવી દિલ્હી: ભારતમાં વધી રહેલા કોરોના વાયરસના કેસને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, લોકોએ ડરવું જોઈએ નહી પરંતુ સાવચેતી રાખવી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતા કહ્યું કે, કેંદ્ર સરકારના કોઈપણ પ્રધાન આવતા દિવસોમાં વિદેશ પ્રવાસ કરશે નહીં. હું દેશવાસીઓને અપીલ કરું છું કે બિન જરૂરી પ્રવાસથી કરવો નહી. આપણે તેને ફેલાતો રોકી શકીએ છીએ અને ભીડથી બચીને પણ તમામ સુરક્ષા સુનિશ્ચિત કરી શકે છે.




સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસને લઈને કહ્યું કે, દેશભરમાં કોરોના વાયરસના તપાસની પુરતી સુવિધા ઉપલબ્ધ છે. ભારતમાં કોરોના વાઈરસના 13 નવા કેસો સામે આવ્યા બાદ સંક્રમિતોની સંખ્યા વધીને 73 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે આ જાણકારી આપી. 13 નવા કેસોમાંથી 9 મહારાષ્ટ્રમાંથી 1-1 કેસ દિલ્હી, લદ્દાખ અને ઉત્તરપ્રદેશથી સામે આવ્યો છે જ્યારે એક વિદેશી નાગરિક પણ તેનાથી સંક્રમિત થયો છે.

કોરોના વાઈરસના ખતરાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે તેને મહામારી જાહેર કરી છે. સાથે જ દિલ્હીના તમામ સિનેમાઘરોને 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત જે સ્કૂલોમાં પરીક્ષા પૂરી થઈ ગઈ છે તેને પણ 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે.